અમેરિકાના તારણહાર અબ્રાહમ લિંકન (૧૮૦૯થી ૧૮૬૫) ગુલામી પ્રથાની નાબૂદી માટે પ્રયાસ કરતા હતા. અમેરિકાની સમવાય સરકાર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે વિશ્વાસની કટોકટી ઊભી થઈ. અમેરિકામાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયો. ૧૮૬૨ની ૨૨મી સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિકની હેસિયતથી એમણે ગુલામીપ્રથાની નાબૂદીની ઘોષણા કરી, ગુલામીની મુક્તિનું જાહેરનામું બહાર પાડ્યું અને પરિણામે ૪૦ લાખ ગુલામો મુક્ત થયા. વિરોધી રાજ્યોએ આ ઘોષણાનો અસ્વીકાર કર્યો અને દેશમાં આંતરવિગ્રહ જાગી ઊઠ્યો. ૧૮૬૧ની પંદરમી એપ્રિલે અબ્રાહમ લિંકને એક જાહેરનામું બહાર પાડીને બંડખોર રાજ્યો સામે યુદ્ધની જાહેરાત કરી. અમેરિકાનાં ઉત્તરનાં રાજ્યોએ સહકાર આપવામાં ઉત્સાહ દાખવ્યો પણ દક્ષિણનાં રાજ્યોએ સહકાર આપવાનો ઇન્કાર કર્યો. દેશની અખંડિતતા જાળવવા પોતાના જ દેશબાંધવો સામે યુદ્ધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ. આ આંતરવિગ્રહ સમયે દક્ષિણનાં રાજ્યોનો એક અમલદાર પકડાયો અને એને મોતની સજા ફરમાવવામાં આવી. અબ્રાહમ લિંકનને એની જાણ થતાં એમણે તરત જ જનરલ રોજક્રેન્સને પત્ર લખીને કહ્યું કે, ‘આ કેસ તમારો કહેવાય. તેમાં મુલ્કી સત્તાવાળાઓ કશી દખલ કરી શકે નહીં. પણ હું આશા રાખું છું કે આ કેસમાં તમે ન્યાયની દૃષ્ટિએ વિચારશો. ભૂતકાળનો બદલો લેવાની દૃષ્ટિએ નહીં અને ભવિષ્યની સલામતી માટે આવશ્યક હોય, તે નજરે જોશો.’ આટલું લખ્યા પછી અબ્રાહમ લિંકને લખ્યું, ‘આપણે કોઈ વિદેશી દુશ્મન સામે લડી રહ્યા નથી, પરંતુ આપણા ભાઈઓ સામે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. આપણો હેતુ એમનો જુસ્સો તોડવાનો નથી, પણ એમને મૂળ વફાદારીના સ્થાને પાછો લાવવાનો છે અને તેથી જનરલસાહેબ, માયાળુ બનીને જીતવું એ જ આપણી નીતિ છે.’ લિંકનનો આ પત્ર વાંચીને જનરલ રોજક્રેન્સે વિરોધી દળના અધિકારીની સજા હળવી કરી.
કુમારપાળ દેસાઈ
