નૌકાયુદ્ધમાં વપરાતું ખાસ પ્રકારનું શસ્ત્ર. તે સ્વયંપ્રણોદિત સ્વચાલિત આયુધ છે તથા પ્રબળ વિસ્ફોટકો સાથે પાણીની અંદર ગતિ કરે છે. તે દર કલાકે ૩૦થી ૪૦ નૉટ(દરિયાઈ માઈલ)ની ઝડપથી ગતિ કરે છે તથા ૩,૫૦૦થી ૯,૦૦૦ મીટર જેટલું અંતર એકસાથે કાપી શકે છે. માર્ગમાં તેનું વિચલન ન થાય અને નિશાન સુધી તે સીધી રેખામાં પ્રયાણ કરી શકે તે માટે તેના પર ગાયરોસ્કોપ નામક ભ્રમણદર્શક યંત્ર ગોઠવેલું હોય છે. તેની ઊંડાઈ પર નિયંત્રણ રાખી શકે તેવું પણ એક ઉપકરણ તેના પર ગોઠવેલું હોય છે. ફ્યૂમ ખાતેની રૉબર્ટ વ્હાઇટહેડની એક ફૅક્ટરીમાં ૧૮૬૬માં સર્વપ્રથમ વાર ટૉર્પીડો બનાવવામાં આવેલી. ઠંડી સંપીડિત (compressed) હવાથી સાત નૉટની ઝડપે આગળ ધસી શકે તેવી આ ટૉર્પીડોનું નિદર્શન ઘણા દેશો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ૧૮૮૦ સુધી ૩૦ નૉટની ઝડપે આશરે એક કિમી. સુધી જઈ શકે તેવી ટૉર્પીડો બનાવવામાં આવી હતી. વીસમી સદીની શરૂઆતમાં ઠંડી સંપીડિત હવાને બદલે ગરમ હવા દ્વારા ટૉર્પીડોને ગતિ આપવાના પ્રયોગો થયા, જે સફળ નીવડ્યા હતા. આ પદ્ધતિમાં પૅરાફિન, પાણી તથા હવા આ ત્રણેયનું મિશ્રણ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે વરાળ અને હવાના મિશ્રણથી ચલાવી શકાય તેવી ત્રિજ્યાની પેઠે પ્રસરતા યંત્રની શોધ શક્ય બની હતી. અમેરિકામાં ઇંધન તરીકે મદ્યાર્કનો ઉપયોગ કરી જલશક્તિથી ચલાવી શકાય તેવી ટૉર્પીડો બનાવવામાં આવી હતી.

બે વિશ્વયુદ્ધો દરમિયાન (૧૯૧૮–૩૯) ટૉર્પીડોની રચનામાં ઘણો વિકાસ સધાયો હતો. જર્મનીએ ૧૯૩૯માં વિદ્યુતશક્તિ વડે ચલાવી શકાય તેવી ટૉર્પીડો તેના નૌકાદળમાં દાખલ કરી હતી. સીસું અને તેજાબની બૅટરીથી તેને બળ આપવામાં આવતું. તે ૨૭ નૉટનું અંતર કાપી શકતી તથા ૮૦૦૦ મી. સુધી પ્રસરી શકતી હતી. ૧૯૪૩માં જર્મનીએ શ્રવણક્ષમ ટૉર્પીડોની શોધ કરી તથા તેમાં તારવાહક પદ્ધતિ દાખલ કરી, જેનો ઉપયોગ હવે ભારે વજનવાળી ટૉર્પીડોમાં થાય છે. ટૉર્પીડોની રચના ગમે તે પ્રકારની હોય છતાં ઝડપ અને અવાજ વિના દોડવાની તેની ક્ષમતાની બાબતમાં સબમરીન પર તેની સરસાઈ હોય તે જરૂરનું છે. તેની ઝડપ વધુ હોવી જોઈએ, અવાજ કર્યા વિના નિશાન સુધી પહોંચવાની તથા નિશાનની નજીક પહોંચતાંની સાથે જ નિશાન પર મારો કરવાની ક્ષમતા તેમાં હોવી આવશ્યક છે. પહેલી વાર નિશાન ચૂકી જાય તોપણ ફરી વાર નિશાન પર ધસી જવાની શક્તિ તેમાં હોવી જાઈએ તથા તેના પર સવાર કરવામાં આવેલાં આયુધાગ્રો(warheads)માં મોટા ભાગની સબમરીનોની હોય છે તેવી બે કાંઠાને વીંધવાની ક્ષમતા પણ હોવી જોઈએ. સામાન્ય રીતે ટૉર્પીડો પર પરંપરાગત વિસ્ફોટકો ગોઠવેલા હોય છે, જે સબમરીન પર સીધો મારો કરીને તેનો નાશ કરી શકે છે. અમેરિકાએ MK 45 ટૉર્પીડો પર પરમાણુ-અસ્ત્રો ગોઠવવાના પ્રયોગો કર્યા, પરંતુ પાછળથી તે પડતા મૂકવામાં આવ્યા. વિઘટિત સોવિયેત સંઘે તેનાં કેટલાંક શસ્ત્રો પર પરમાણુ-અસ્ત્રો ગોઠવ્યાં હતાં.
હસમુખભાઈ મા. પટેલ, અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટૉર્પીડો, પૃ. ૩૬૦)
