વામન રૂપે જોતો અહંકારી ————
ગર્વ અને આત્મવંચના વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એક વાર ચિત્તમાં ગર્વ ઘૂસી જાય એટલે વ્યક્તિ પોતાની જાતને વિશિષ્ટ માનવા લાગે છે. અન્યથી પોતાને અનેકગણી ચડિયાતી ગણે છે અને સમય જતાં બીજાઓને હીન કે તુચ્છ માનવા લાગે છે. ધીરે ધીરે એ ગર્વની આસપાસ વ્યક્તિ પોતાને પસંદ એવાં ભ્રામક મૂલ્યોના કિલ્લા રચી દે છે અને એને પોતાની જાત વિશે એ અતિશયોક્તિપૂર્ણ આદર ધરાવવા લાગે છે. થોડુંક જ્ઞાન આવે એટલે વ્યક્તિ પોતાના જ્ઞાનનો અહંકાર આગળ ધરવા લાગે છે. સંપત્તિ મળે એટલે સતત સંપત્તિનો દેખાવ કરવા ચાહે છે. અહંકારને લોભ સાથે ગાઢ નાતો છે. ગર્વિષ્ઠ માનવી સતત પોતાની પ્રશંસાનો લોભ રાખે છે અને એ પ્રશંસાથી પોતાના દોષોને ઢાંકવા કોશિશ કરે છે, આથી વ્યક્તિ જો એના અહંકારને કાબૂમાં ન રાખે તો સમય જતાં એની બૂરી હાલત થાય છે. એમ કહેવાય છે કે માણસના પતન કે પીછેહઠનો પ્રારંભ ગર્વથી થાય છે. ગર્વને યોગ્ય રીતે નિયંત્રિત ન કરી શકનારને અંતે જીવનમાં કડવા અનુભવોમાંથી પસાર થવું પડે છે. આ ગર્વને કારણે એ બીજાના દોષો સતત આગળ ધરતો રહે છે અને અન્યના ગુણની પ્રશંસા કે પ્રમોદભાવના ખોઈ નાખે છે. ક્યારેક બીજાના દોષોને વધુ મોટા કરીને એ સ્વ-ગર્વને પોષતો હોય છે. એ બીજાના વિરાટ સ્વરૂપને વામન જુએ છે અને પોતાના વામન સ્વરૂપને વિરાટ તરીકે નિહાળે છે. આથી ગર્વ એને સ્વદોષને સમજતો અટકાવે છે. જ્યાં સ્વ-દોષની સમજ જ ન હોય, ત્યાં દોષનિવારણની તો વાત જ ક્યાંથી થાય ? અને એથી જ પોતાના દોષની આગળ ગર્વની ઢાલ ધરીને એ બીજાના દોષો પર તલવારનો વાર કરતો હોય છે.
કુમારપાળ દેસાઈ
