ટોંક


રાજસ્થાન રાજ્યનો જિલ્લો. તે રાજ્યની ઈશાને ૨૫° ૪૧´ ઉ.થી ૨૬° ૩૪´ ઉત્તર અક્ષાંશ અને ૭૫° ૦૭´ પૂ.થી ૭૬° ૧૯´ પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭,૧૯૪ ચોકિમી. છે. તેની ઉત્તરે જયપુર, દક્ષિણમાં બુંદી અને ભીલવાડા, પશ્ચિમમાં અજમેર તેમજ પૂર્વમાં સવાઈમાધોપુર જિલ્લાઓ આવેલા છે. તેની કુલ વસ્તી ૧૬,૮૦,૦૦૦ (૨૦૨૪, આશરે) અને વસ્તીની ગીચતા ચોકિમી.દીઠ ૧૩૫ છે. જિલ્લાની ૮૦% વસ્તી ગ્રામ વિસ્તારમાં અને બાકીની ૨૦% વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. પતંગ જેવા આકારનો અને લગભગ સમતળ એવો આ જિલ્લો સમુદ્ર-સપાટીથી સરેરાશ ૨૬૪.૩૨ મી.ની ઊંચાઈ પર આવેલ છે. જિલ્લાની એકમાત્ર મહત્ત્વની નદી બનાસ પૂર્વ તરફથી વહી જિલ્લાની બરાબર મધ્યમાંથી પસાર થતાં, તેને બે ભાગમાં વહેંચે છે. જિલ્લામાં અરવલ્લીની ટેકરીઓ છૂટીછવાઈ પથરાયેલી છે. પ્રદેશનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી દક્ષિણ અને પૂર્વ તરફનો છે. આબોહવા સૂકી અને આરોગ્યપ્રદ છે. વાર્ષિક મહત્તમ તાપમાન ૨૭.૫°થી ૩૦° સે. અને લઘુતમ તાપમાન ૧૫°થી ૧૭° સે. વચ્ચે રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ ૬૧૪ મિમી. છે. વરસાદનું પ્રમાણ અગ્નિથી વાયવ્ય તરફ જતાં ઘટતું જાય છે. જમીન સામાન્ય રીતે ફળદ્રૂપ પરંતુ કેટલેક સ્થળે વધુ રેતાળ છે. મેદાની વિસ્તારોમાં નાઇસ અને શિસ્ટ ખડકોની ભૂસ્તરીય રચના જોવા મળે છે. ગાર્નેટ, અબરખ જેવાં અધાતુમય ખનિજો; બાંધકામના પથ્થર તથા લોહઅયસ્ક જેવાં ધાતુમય ખનિજો અહીંથી મળે છે.

બિસલદેવ મંદિર, ટોંક

જિલ્લાનો લગભગ ૩.૪૯% વિસ્તાર વનાચ્છાદિત છે. ઔદ્યોગિક દૃષ્ટિએ તે રાજ્યનો પછાત જિલ્લો છે. બીડી તથા ગાલીચા વણવાના ગૃહઉદ્યોગો ઉપરાંત હસ્તકળા, ચર્મોદ્યોગ, સુથારીકામ, કુંભારકામ, વણાટકામ અને ખાદી-ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત રીતે ચાલે છે. રાજસ્થાનના આ પ્રદેશમાં હજુ રેલવે નથી. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૨  અહીંથી પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ ૧૩૮ કિમી. અને અન્ય (જિલ્લા) માર્ગો ૮૧૬ કિમી. લાંબા છે. જિલ્લાનાં કેટલાંક ગામો માર્ગથી સંકળાયેલાં નથી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન ટોંક ભારતમાં રાજપૂતાના એજન્સીનું એકમાત્ર મુસ્લિમ સંસ્થાન હતું. ઓગણીસમી સદીની શરૂઆતમાં યશવન્તરાવ હોલકરની મદદથી અમીરખાન અને તેના સાથી પઠાણોએ સિરોજ, ટોંક અને પિશવ પરગણાંઓ જીતી લઈને ટોંક સંસ્થાનની સ્થાપના કરી હતી. અઢારમી સદીમાં રોહિલ વંશના પઠાણ કુળમાં જન્મેલો અમીરખાન સમગ્ર ભારતમાં પિંઢારાઓના નેતા તરીકે જાણીતો હતો. બ્રિટિશરોએ તેની વધતી જતી સત્તાને નાથવા ટોંકની સ્થાપના કરવાની સંમતિ આપી હતી. ૧૯૪૮માં માર્ચની ૨૫મીએ ટોંક રાજસ્થાન રાજ્યમાં વિલીન થયું. ભારતની ઇસ્લામી અને પ્રાચ્ય સંશોધન માટેની પ્રસિદ્ધ સંસ્થા ‘અરેબિક ઍન્ડ પર્શિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (APRI) અહીં આવેલ છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮