જ. ૮ ઑગસ્ટ, ૧૯૦૫ અ. ૧૮ માર્ચ, ૧૯૭૦

ગુજરાતી ભાષાના કવિ મગનલાલ ભૂધરભાઈ પટેલ ‘પતીલ’ના ઉપનામથી વધુ જાણીતા છે. જોકે એમણે ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’,‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અને ‘યશોબાલા’ જેવાં અનેક ઉપનામોથી લખ્યું છે. અંકલેશ્વરમાં જન્મેલા અને ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણનો અભ્યાસ કરી મહેસૂલ અને કેળવણી ખાતામાં નોકરી કરી. તેમનું પ્રથમ કાવ્ય ‘નર્મદાને’ ૧૯૩૧માં ‘પ્રસ્થાન’ સામયિકમાં પ્રકાશિત થયું હતું. તેમની પાસેથી પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ કરતી કૌતુકરાગી કવિતા મળે છે. તેમજ ગઝલ અને સૉનેટ જેવાં કાવ્યસ્વરૂપોમાં ફારસી શબ્દો અને સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ ઉપયોગ જોવા મળે છે. ૧૯૪૦માં પ્રકાશિત થયેલા તેમના ‘પ્રભાત-નર્મદા’ કાવ્યસંગ્રહમાં આત્મલક્ષી પદ્યપ્રયોગો છે તો કેટલીક નર્મમર્મની સુંદર રચનાઓ પણ છે. તેમના પદ્યપ્રયોગોમાં તેમણે છંદમિશ્રણોનો તેમજ ખૂબ ઓછા જાણીતા એવા પુષ્પિતાગ્રા, ભ્રમરાવલી, ભુજંગપ્રયાત જેવા છંદોના સફળ પ્રયોગો જોવા મળે છે. આ પ્રયોગોએ બ. ક. ઠાકોર અને રા. વિ. પાઠક જેવા વિદ્વાન વિવેચકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના ‘વાસવક્લેશપરિહાર’ નામના હાસ્યરસિક આખ્યાનમાં શચી અને ઇન્દ્રે માનેલ કંથાના પ્રસાદ માટે ખાંડ મેળવવા નારદે કેવી હાડમારી વેઠવી પડી તેનું ઉપહાસાત્મક નિરૂપણ કર્યું છે. આ ઉપરાંત હિંદી ભાષામાં રચેલ ગઝલ અને તરાનાને ‘નયી તર્ઝે’ નામનો તેમનો સંગ્રહ ૧૯૫૩માં પ્રકાશિત થયો હતો. તેમણે ૧૯૪૬થી ૧૯૪૮ સુધી ‘ગુજરાત’ દૈનિકમાં સાહિત્યવિભાગનું સંપાદન કર્યું હતું. પતીલની રચનાઓના મરણોત્તર સંગ્રહો ‘મારી ઉર્વશી’ (૧૯૭૫), ‘અટૂલી અનાર’ (૧૯૭૫) અને ‘વ્યામોહજવનિકા’ (૧૯૭૫) સંપાદિત કરીને નટવરલાલ મગનલાલ પટેલે આપ્યા છે. ૬૫ વર્ષની વયે તેમનું વડોદરામાં અવસાન થયું હતું.
પ્રીતિ શાહ
