: ઉત્તર આફ્રિકાનું સૌથી નાનું રાજ્ય. તે ૨૯° ૫૪´ અને ૩૭° ૨૧´ ઉ. અ. તથા ૭° ૩૩´ અને ૧૧° ૩૮´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ ભૂમધ્ય સમુદ્ર, અગ્નિ ખૂણે લિબિયા તથા નૈર્ઋત્ય ખૂણે અને પશ્ચિમે અલ્જિરિયા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૭૮૦ કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૩૭૮ કિમી. છે. તે જિબ્રાલ્ટર અને સુએઝ નહેરની વચ્ચે આવેલા પ્રદેશના મધ્ય ભાગમાં વસેલું છે. સિસિલીની બોન ભૂશિર તેનાથી ૧૩૯ કિમી. દૂર છે. તેના દરિયાકિનારા નજીક નાના બેટો આવેલા છે. તેનું કુલ ક્ષેત્રફળ ૧,૬૪,૧૫૦ ચોકિમી. તથા વસ્તી ૧,૧૯,૭૪,૦૦૦ કરોડ (૨૦૨૪, આશરે) છે. વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. ૫૧ છે. કુલ વસ્તીના ૫૪ ટકા શહેરી વિસ્તારમાં તથા ૪૬ ટકા ગ્રામ વિસ્તારમાં વસે છે. તેની મુખ્ય રાજ્યભાષા અરબી છે. ટ્યૂનિસ તેનું પાટનગર છે. ટ્યૂનિસિયાના ઉત્તર કિનારે સાંકડી નીચાણવાળી પટ્ટી છે. નીચાણવાળા આ ભાગની દક્ષિણે ઍટલાસ ગિરિમાળા છે, જે અલ્જિરિયા સુધી વિસ્તરેલ છે. ઍટલાસ પર્વતના રેલ ઍટલાસ અને સહરા ઍટલાસ એવા બે ભાગ છે. તેનું સર્વોચ્ચ શિખર જેબલ ચંબી ૧,૫૪૪ મી. ઊંચું છે, જ્યારે બીજું શિખર જેબલ ઝાગવાન ૧૨૯૫ મી. ઊંચું છે. ઍટલાસ પર્વતમાળાની દક્ષિણે ૬૦૦ મી.થી વધુ ઊંચો ઉચ્ચપ્રદેશ આવેલો છે. ઉચ્ચપ્રદેશની દક્ષિણે આવેલો ભાગ નીચો અને રેતાળ છે. ટ્યૂનિસિયાના એક-તૃતીયાંશ ભાગમાં સહરાનું રણ છે. ટ્યૂનિસિયાની સૌથી લાંબી નદી મેજર્દા છે. તેનું પાણી ટ્યૂનિસના અખાતમાં ઠલવાય છે.

ટ્યૂનિસ શહેર
ઉત્તર ટ્યૂનિસિયાની આબોહવા ભૂમધ્ય સમુદ્રના કુદરતી પ્રદેશ જેવી છે. શિયાળો સમધાત અને ભેજવાળો છે. અહીં શિયાળામાં વરસાદ પડે છે; જ્યારે ઉનાળો લાંબો, ગરમ અને સૂકો હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૪૩૦ મિમી. પડે છે. ઑક્ટોબરથી એપ્રિલ દરમિયાન સરેરાશ વાર્ષિક તાપમાન જાન્યુઆરીમાં ૯° સે. અને ઑગસ્ટમાં ૨૧° સે. રહે છે. ઍટલાસ ગિરિમાળાના પ્રદેશમાં પર્વતની ઊંચાઈને કારણે વધારે ઠંડી પડે છે અને વરસાદ ૭૫૦–૧૨૫૦ મિમી. પડે છે. ટ્યૂનિસિયાનો મધ્યભાગ વેરાન છે. તે સ્ટેપ પ્રદેશ જેવી આબોહવા ધરાવે છે. તેના ઉત્તર ભાગમાં સરેરાશ ૩૬૦ મિમી. વરસાદ અને દક્ષિણ ભાગમાં ૨૦૦ મિમી. વરસાદ પડે છે. અહીં ટૂંકું ઘાસ અને કાંટાવાળા છોડ જોવા મળે છે. સ્ટેપ પ્રદેશમાં શિયાળામાં સરાસરી તાપમાન ૧૦° અને ઉનાળામાં ૨૭° સે. રહે છે. ચોટ્ટ-જેરીડ અને ગાબસ અખાતના પ્રદેશમાં ૭૫ મિમી.થી પણ ઓછો વરસાદ પડે છે. અહીં રણ જેવી સ્થિતિ છે. અહીં સરાસરી તાપમાન શિયાળામાં ૧૦° અને ઉનાળામાં ૩૨° સે. રહે છે. ખેતીમાં જવ, ઘઉં, ઑલિવ, લીંબુ, સંતરાં, મોસંબી, ખજૂર, શેરડી, દ્રાક્ષ, બીટ, જરદાળુ, પેર, સફરજન, પીચ, અંજીર, દાડમ, બદામ, પિસ્તાં અને ઍસ્પાર્ટો ઘાસ થાય છે. મોટાં ખેતરોમાં યંત્રોનો ઉપયોગ થાય છે; પણ ૯૦ ટકા ખેડૂતો જમીનના નાના ટુકડા ધરાવે છે. અનિશ્ચિત અને ઓછા વરસાદને કારણે પાક ઓછો આવે છે. મધ્ય ભાગ અને દક્ષિણમાં પશુપાલન મુખ્ય ધંધો છે. કિનારાના પ્રદેશ તથા સરોવરોમાં મચ્છીમારી થાય છે. પેટ્રોલિયમ, સીસું, લિગ્નાઇટ અને રૉક-ફૉસ્ફેટ મુખ્ય ખનિજો છે. અહીંથી પેટ્રોલિયમનું ઉત્પાદન લેવાય છે. લોહઅયસ્ક, જસતઅયસ્ક અને મીઠું થોડા પ્રમાણમાં મળે છે. પ્રક્રમણ કરેલ ખોરાકી ચીજો તથા મદ્ય ઉપરાંત કાપડ, ખાતર, રસાયણ, મોટર, સિમેન્ટ, કાગળ, સિગારેટ, ચર્મ, દવા વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. ઉદ્યોગોનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર ૪.૫ ટકા છે. ટ્યૂનિસ નજીક કાર્થેજના પ્રાચીન અવશેષોને લીધે પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસ્યો છે. યંત્રો, ક્રૂડ અને પેટ્રોલ, અનાજ, મોટર, ઇમારતી લાકડું, રૂ અને સૂતરની આયાત થાય છે; જ્યારે કાપડ, તૈયાર કપડાં, રૉક-ફૉસ્ફેટ, ઑલિવનું તેલ, દારૂ, શુદ્ધ કરેલું સીસું, પોલાદ અને ઘડતર લોખંડની નિકાસ થાય છે. ફ્રાન્સ સાથે આ દેશનો વિશેષ વેપાર છે. અહીં જંગલી ભુંડ, હરણ અને શિયાળ જેવાં પ્રાણીઓ છે. પહાડોમાં જંગલી ઘેટાં અને સહરાના રણવિસ્તારમાં ફુરસા સાપ (horned viper) અને વીંછી જોવા મળે છે.
જયકુમાર ર. શુક્લ, શિવપ્રસાદ રાજગોર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્યૂનિસિયા, પૃ. ૩73)
ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮
