જ. ૧૩ ઑગસ્ટ, ૧૯૬૩ અ. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮

ભારતીય સિનેમાજગતનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી. શ્રીદેવીને ફિલ્મજગતનાં સૌપ્રથમ સ્ત્રી-સુપરસ્ટારના બિરુદથી ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારત તથા મુંબઈ (હિન્દી) ફિલ્મજગતમાં જીવનનાં ૫૦ વર્ષ તેમણે અભિનય કર્યો. ૧૯૬૭માં તામિલ ફિલ્મ ‘કન્ધમ્ કુરુનાઈ’માં ચાર વર્ષની વયે અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યા પછી એમની કારકિર્દી અવિરત ચાલુ જ રહી. જેના કારણે તેઓ શાળાકીય શિક્ષણથી વંચિત રહ્યાં. તેર વર્ષની વયે તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં મોખરાનું સ્થાન મેળવી ચૂક્યાં હતાં. ૧૯૭૯માં ‘સોલવા સાવન’થી હિન્દી ફિલ્મોની શરૂઆત કરી. ‘હિંમતવાલા’, ‘સદમા’, ‘લમ્હે, ‘ચાંદની’, ‘ખુદાગવાહ’, ‘મિ. ઇન્ડિયા’, ‘ચાલબાઝ’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ જેવી અનેક ફિલ્મોમાં શ્રીદેવીનો અભિનય યાદગાર રહ્યો. ૨૦૦૪માં ‘માલિની અય્યર’ ટીવી સિરિયલ દ્વારા નાના પડદા ઉપર પણ એમણે અભિનય કર્યો. ખૂબ નિપુણ નૃત્યાંગના તથા સર્જનાત્મક અભિનય માટે કલા-વિવેચકો પણ શ્રીદેવીનું નામ આદરથી લે છે. ૧૯૯૬માં ફિલ્મનિર્માતા-નિર્દેશક બોની કપૂર સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. એમની બંને પુત્રીઓ જ્હાનવી કપૂર તથા ખુશી કપૂર પણ અભિનયક્ષેત્રે કાર્યરત છે. શ્રીદેવીને પોતાના અદભુત અભિનય માટે ભારત સરકાર તરફથી ૨૦૧૩માં પદ્મશ્રીના સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં. તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા તથા મુંબઈ ફિલ્મજગતમાં લાઇફટાઇમ એચીવમેન્ટ, ફિલ્મફેર, રાષ્ટ્રીય ઍવૉર્ડ જેવા અનેકાનેક ઍવૉર્ડ પ્રાપ્ત કરીને અભિનય જગતમાં એમણે પોતાનું અચલ નામ અને સ્થાન પ્રસ્થાપિત કર્યું. ૨૦૦૮માં ફૅશનજગતમાં પણ મૉડિંલગ કરીને વેશભૂષા તથા અદાકારીમાં પણ એક આગવી ઓળખ ઊભી કરી હતી. અભિનયની સાથે કાર્યનિષ્ઠા માટે પણ શ્રીદેવી ઉદાહરણરૂપ હતાં. સાથે બંને પુત્રીઓના જન્મ પછી એમના ઉછેર માટે સ્વેચ્છાએ વર્ષો સુધી અભિનય તેમજ ફિલ્મોથી તેઓ દૂર રહ્યાં હતાં. ભારતીય ફિલ્મજગતનાં સો વર્ષના ઇતિહાસની યાદીમાં શ્રીદેવીનું નામ ઉપરની હરોળમાં મૂકવામાં આવ્યું છે. એક સંપૂર્ણ કલાકાર તરીકે શ્રીદેવી લોકહૃદયે સદાય રહેશે.
અલ્પા શાહ
