જ. ૧૫ ઑગસ્ટ, ૧૯૩૪ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪

ગુજરાતના ગાયક, સંગીતનિર્દેશક પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ખેડા જિલ્લાના ધૂલિયા ગામે થયો હતો. ગૌરીશંકર તથા વિદ્યાગૌરી ઉપાધ્યાયના પુત્ર પુરુષોત્તમ બાળપણથી જ સંગીતમાં રુચિ ધરાવતા હતા. ગુજરાતી રંગભૂમિમાં નાનાં નાનાં પાત્રો દ્વારા અભિનય તેમજ ગાયનની પ્રસ્તુતિ દરમિયાન અભિનેતા અશરફખાનના ધ્યાનમાં આવ્યા અને અશરફખાને કિશોર પુરુષોત્તમ ઉપાધ્યાયને મુંબઈ મોકલ્યા, તેમની ભલામણ સાથે આકાશવાણી મુંબઈમાં ગાયન પ્રસ્તુતિ માટે કરાર કરી આપ્યો. કવિ, સંગીતનિર્દેશક શ્રી અવિનાશ વ્યાસે પુરુષોત્તમ ઉપાધ્યાયની ક્ષમતાથી અભિભૂત થઈને તેને પોતાના માનસપુત્ર બનાવ્યા. ગાયન અને સંગીતનિર્દેશનમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે પોતાની સર્જનાત્મકતા તેમજ પ્રયોગશીલતા દ્વારા ખૂબ નાની વયે સંગીતના ભાવકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું. સાથે નવરંગ નાગપુરકર પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી. ગુજરાતી સુગમ સંગીતમાં પોતાની આગવી શૈલીથી શાસ્ત્રીય સંગીતને વણી લીધું. ગુજરાતી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે ગુજરાતી કવિઓની ઉત્તમ રચનાઓ સ્વરબદ્ધ કરી. ગીત, ગઝલ, ઉપશાસ્ત્રીય ગાયન, ગરબા એમ વિવિધ પ્રકારોને એમણે પોતાના સંગીત અને કંઠ દ્વારા જનહૈયે અને કંઠે રમતા કર્યા. બેગમ અખ્તર, મહોમ્મદ રફી, સુમન કલ્યાણપુર, લતા મંગેશકર, સરોજ ગુંદાણી, હંસા દેવે જેવાં અનેક પ્રખ્યાત ગાયકોએ પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરબદ્ધ થયેલાં ગીતોને પોતાનો કંઠ આપ્યો છે. ‘દિવસો જુદાઈના’, ‘રંગલો જામ્યો કાલિંદડીને ઘાટ’, ‘તારો છેડલો’ જેવાં અનેક ગીતો ગુજરાતી સંગીતની ઓળખ સમા બની ગયાં. તેમણે વીસથી વધુ ગુજરાતી ફિલ્મો તથા ત્રીસથી વધુ નાટકોમાં સંગીતનિર્દેશન કર્યું છે. એમને ‘વિશ્વગુજરાતી’, ઉર્દૂ ગાયકી માટે ‘એશિયન ઍવૉર્ડ’, સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, ‘ગૌરવ પુરસ્કાર’ તથા ભારત સરકાર દ્વારા ૨૦૧૭માં પદ્મશ્રીના સન્માનથી બિરદાવવામાં આવ્યા હતા. ‘તમે આવો તો વાત’, ‘ચંદરવો’, ‘વૈષ્ણવજન’, ‘કાંઠે ગુલમહોરનો ઠાઠ’ જેવાં એમનાં અનેક સંગીત આલબમ ભાવકો માટે મોટી ભેટ સમાં છે. તેથી જ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને પુરુષોત્તમ-સ્વરોત્તમ કહેવામાં આવે છે. ગુણવત્તાસભર તેમ જ લોકભોગ્ય સંગીત માટે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું યોગદાન ખૂબ મોટું છે. અત્યંત સુરીલું ગાયન તેમજ ધારદાર રજૂઆત એ એમની ઓળખ છે.
અલ્પા શાહ
