અમૃતલાલ નાગર


જ. ૧૭ ઑગસ્ટ, ૧૯૧૬ અ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૦

હિંદી સાહિત્યકાર અમૃતલાલ નાગરનો જન્મ રાજારામ નાગર અને વિદ્યાવતી નાગરને ત્યાં આગ્રામાં થયો હતો. તેઓ પોતે લખનઉ રહેતા. તેઓ ૧૯ વર્ષના હતા ત્યારે પિતા ગુમાવેલા. આથી અર્થોપાર્જનની જવાબદારી તેમના પર આવી પડેલી. જવાબદારી સાથે તેમણે સતત અભ્યાસ કર્યો અને સાહિત્ય, ઇતિહાસ, પુરાણ, સમાજશાસ્ત્ર વગેરે અનેક ક્ષેત્રોનું જ્ઞાન મેળવ્યું. તેઓ હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. થોડો સમય સામાન્ય નોકરી કરી. પછી હાસ્યરસની પત્રિકા ‘ચકલ્લસ’ના સંપાદક તરીકે કાર્ય કર્યું. ઘણાં વર્ષ સુધી મુંબઈ અને ચેન્નાઈનાં ચલચિત્રો માટે લેખનકાર્ય કર્યું. ૧૯૫૩થી ૧૯૫૬ દરમિયાન આકાશવાણી, લખનઉમાં સેવા આપી. ત્યારબાદ સ્વતંત્ર રીતે લેખનકાર્ય શરૂ કર્યું. તેમણે ‘મેઘરાજ ઇન્દ્ર તખલ્લુસથી કાવ્યો અને ‘તસ્લીમ લખનવી’ ઉપનામથી વ્યંગાત્મક રેખાચિત્રો અને નિબંધો લખ્યાં હતાં. પણ તેમને વધુ પ્રસિદ્ધિ મળી વાર્તાકાર-નવલકથાકાર તરીકે. તેમની પ્રથમ નવલકથા હતી ‘બૂંદ ઔર સમુદ્ર’. તેમની પાસેથી અનેક નવલકથાઓ મળી છે. નાટક, રેડિયો નાટક, નિબંધ, સંસ્મરણ તથા બાલસાહિત્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘અમૃત નાગર રચનાવલી’માં તેમની બધી મૌલિક કૃતિઓ સંગૃહીત થઈ છે. તેમણે ફ્રેન્ચ લેખક મોપાસાં તથા રશિયન લેખક ચેખૉવની વાર્તાઓના સુંદર અનુવાદો કર્યા છે. એ જ રીતે તેમણે ગુજરાતી, મરાઠી નાટકોના પણ અનુવાદો કર્યા છે. તેમને ‘બૂંદ અને સમુદ્ર’ માટે બટુકપ્રસાદ પુરસ્કાર તથા સુધાકર રજતપદક; ‘સુહાગ નૂપુર’ માટે પ્રેમચંદ પુરસ્કાર; ‘અમૃત ઔર વિષ’ માટે સાહિત્ય અકાદેમીનો તથા સોવિયેટ લૅન્ડ નહેરુ પુરસ્કાર તથા સમગ્ર પ્રદાન માટે ‘યુગાન્તર’ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. ૧૯૮૧માં ‘પદ્મભૂષણ’થી, ૧૯૮૮માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શિખર સન્માનથી તથા ૧૯૮૫માં ભારત ભારતી પુરસ્કારથી તેઓ સન્માનિત થયા હતા.