સુવર્ણમંદિર (અમૃતસર)


પંજાબમાં અમૃતસરમાં આવેલું શીખોનું પવિત્ર મંદિર. તેનું મૂળ નામ હરિમંદિર સાહિબ છે. તેના પર સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડેલાં હોવાથી તે સુવર્ણમંદિર તરીકે જાણીતું છે. ચોથા શીખ ગુરુ રામદાસે અમૃતસર નામનું તળાવ બંધાવી એ જ નામનું ત્યાં નગર પણ વસાવ્યું. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવ(૧૫૮૧–૧૬૦૬)ના સમયમાં ૧૫૮૮માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને ૧૬૦૧માં તે પૂરું થયું. મંદિર સરોવરની મધ્યમાં છે. મંદિરનું આરસનું સુશોભન અને સોનાનું કામ ૧૮૦૦ પહેલાંનું છે. આ કામ માટે પંજાબના શીખ રાજ્યના મહારાજા રણજિતસિંહે પુષ્કળ પ્રમાણમાં સોનું અને આરસ પૂરાં પાડ્યાં હતાં. તેમણે મંદિરના ઘુમ્મટ વગેરે ભાગોને સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડાવ્યાં હતાં.

સુવર્ણમંદિર (અમૃતસર), પંજાબ

સુવર્ણમંદિર આરસનું બાંધેલું ચોરસ મંદિર છે. તેનો વિસ્તાર ૨૦ મી.  ૨૦ મી. છે. મંદિરને ફરતું સરોવર છે. સરોવર ૬૧ મી. લાંબા આરસના માર્ગ વડે ઘેરાયેલું છે. તેની ઉપર તોરણવાળો માર્ગ છે. મંદિરને ચાર પ્રવેશ છે. તેના ઘુમ્મટ નીચે રેશમમંડિત બેઠકમાં શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ની પ્રતિષ્ઠા કરેલી છે. કોઈ પણ વ્યક્તિ ધર્મ, વર્ણ, પંથ કે જાતિના ભેદભાવ વિના મંદિરમાં પ્રવેશી શકે છે. મંદિરમાં દારૂ, સિગારેટ, માંસ કે અન્ય કોઈ પદાર્થ લઈ જવા પર પ્રતિબંધ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશે ત્યારે તેણે તેનું માથું ઢાંકેલું રાખવું જોઈએ. મંદિરપ્રવેશ પહેલાં હાથ-પગ ધોયેલા હોવા જરૂરી છે. ગુરુવાણીનું પઠન સાંભળવા મંદિરમાં બેસી શકાય છે. મંદિર સંકુલમાં રોજ લગભગ ૧,૦૦,૦૦૦ લોકો વિનામૂલ્યે ભોજન કરી શકે છે. આ વ્યવસ્થા ‘લંગર’ તરીકે જાણીતી છે. મંદિર સંકુલમાં શીખ ધર્મના ગુરુઓ, શહીદો વગેરેનાં સ્મારકો આવેલાં છે. અહીં બૈસાખી તેમ જ ધર્મગુરુઓના જન્મદિવસો ધામધૂમથી ઊજવાય છે. ૧૯૮૪ના અરસામાં મંદિરને ઘણું નુકસાન થયું હતું. ભારત સરકાર જેને આતંકવાદી માનતી હતી અને શીખો જેને ધાર્મિક નેતા માનતા હતા તે જરનૈલસિંઘ ભિંડરાંવાલે અને તેના સાથીદારોએ સુવર્ણમંદિરમાં આશરો લીધો હતો. આતંક ઉગ્ર બનતાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સાહસપૂર્ણ નિર્ણય લઈ ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ નામક લશ્કરી પગલું ભરવું પડ્યું હતું. તેમાં સુવર્ણમંદિરમાં સૈનિકો મોકલી ભિંડરાંવાલે સહિત ઘણા આતંકીઓનો નાશ કર્યો હતો. ગોળીબાર, તોપમારો અને હેલિકૉપ્ટરને કારણે મંદિરના સંકુલને ઘણું નુકસાન પહોંચ્યું હતું. પાછળથી કારસેવકો દ્વારા આ નુકસાનનું સમારકામ કરાવવામાં આવ્યું હતું.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી