જ. ૧૯ ઑગસ્ટ, ૧૯૦૭ અ. ૧૯ મે, ૧૯૭૯

હિન્દી નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, વિદ્વાન અને સાહિત્યિક ઇતિહાસકાર હજારીપ્રસાદ દ્વિવેદીનો જન્મ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના દુબે છાપરા નામના ગામમાં થયો હતો. તેમના પિતા પંડિત અનમોલ દ્વિવેદી સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રમાં ‘આચાર્ય’ અને સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૪૯માં લખનૌ યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. હજારીપ્રસાદ દ્વિવેદી ૧૯૩૦માં વિશ્વભારતીમાં જોડાયા હતા જ્યાં તેઓ સંસ્કૃત અને હિન્દી શીખવતા હતા. ત્યારબાદ તેઓ બે દાયકા સુધી શાંતિનિકેતનમાં રહ્યા હતા. તેમણે હિન્દી ભવનની સ્થાપના કરી અને વર્ષો સુધી તેનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. તેમણે બંગાળી ભાષા અને સાહિત્યની સૂક્ષ્મતા, નંદલાલ બોઝની સૌંદર્યલક્ષી સંવેદનશીલતા, ક્ષિતિમોહન સેનના મૂળની શોધ અને ગુરુદયાલ મલ્લિકની સૌમ્ય પણ રહસ્યમય રમૂજને આત્મસાત્ કરેલ. આ બધા પ્રવાહોની અસર તેમનાં લખાણોમાં સ્પષ્ટ જોવા મળે છે. ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન તેમણે વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં હિન્દી વિભાગમાં રીડર તરીકે સેવા આપી હતી.૧૯૫૫માં ભારત સરકાર દ્વારા સ્થાપિત ભાષા આયોગના સભ્ય તરીકે પણ તેમની નિયુક્તિ થઈ હતી. ૧૮૬૦માં તેઓ પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાં હિન્દી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે જોડાયા અને ત્યાંથી જ સેવાનિવૃત્ત થયા હતા. હજારીપ્રસાદ દ્વિવેદીએ ‘સાહિત્ય કી ભૂમિકા’ અને ‘હિન્દી સાહિત્ય કી આદિકલા’ જેવાં પુસ્તકો દ્વારા હિન્દી સાહિત્યમાં વિવેચનને એક નવી દિશા આપી હતી. તેમના ‘કબીર’, ‘મધ્યકાલીન ધર્મસાધના’ અને ‘નાથ સંપ્રદાય’ જેવા ગ્રંથોમાં ભારતના મધ્યયુગીન ધાર્મિક જીવનનું ઐતિહાસિક વિશ્લેષણ જોવા મળે છે. તેમની ‘બાણભટ્ટ કી આત્મકથા’, ‘અનમદાસ કા પોથા’, ‘પુનર્નવા’ અને ‘ચારુ-ચંદ્રલેખા’ જેવી ઐતિહાસિક નવલકથાઓને ક્લાસિક ગણવામાં આવે છે. તેમનો ‘શિરીષ કે ફૂલ’ નામનો નિબંધ NCERT દ્વારા ધોરણ ૧૨ માટે તૈયાર કરવામાં આવેલ હિંદી પુસ્તકમાં સ્થાન પામ્યો છે. આ સિવાય તેમણે અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાંથી હિંદીમાં ઘણી કૃતિઓનો અનુવાદ પણ કર્યો હતો. હિન્દી સાહિત્યમાં વિશેષ યોગદાન બદલ તેમને ૧૯૫૭માં ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા.
અશ્વિન આણદાણી
