કરુણાશંકર કુબેરજી ભટ્ટ


જ. ૨૨ ઑગસ્ટ, ૧૮૭૩ અ. ૨ ઑક્ટોબર, ૧૯૪૩

શિક્ષણ દ્વારા સંસ્કારિંસચન કરનાર આજીવન ઉત્તમ કોટિના શિક્ષક કરુણાશંકર ભટ્ટનો જન્મ સારસા(જિ.આણંદ)માં થયો હતો. તેમણે બાવીસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માતા દિવાળીબા અને મામા કેશવરામનો તેમના ઘડતરમાં મહત્ત્વનો ફાળો રહ્યો. પ્રાથમિક શિક્ષણ મેળવી તેઓ વડોદરાની પુરુષ અધ્યાપન પાઠશાળામાં જોડાયા. આચાર્ય મણિશંકર ભટ્ટ ‘કાન્ત’ને લીધે તેમણે અંગ્રેજી સાહિત્ય અને શિક્ષણના ઇતિહાસનો અભ્યાસ કર્યો. શિક્ષક તરીકેની પદવી મેળવ્યા પછી તેમને સંખેડા તાલુકાના કોસિંદ્રા ગામમાં પ્રથમ નિમણૂક મળી. ત્યાં સાત વર્ષ રહી વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું. તેમણે ગ્રામજનોને પણ ભણાવ્યા. ગામ પર ધાડપાડુઓ ત્રાટકતાં તેમણે આગેવાની લીધી અને તલવાર લઈને નીકળી પડ્યા હતા. કોસિંદ્રાથી બદલી થતાં માછિયાપુર, વડોદરા અને ત્યાંથી ભાદરણ પાસેના ગંભીરા ગામે શિક્ષણકાર્ય કર્યું. તેઓ ગુજરાતી ઉપરાંત હિંદી, પાલિ, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી અને બંગાળી સાહિત્યના અભ્યાસી હતા. મોતીભાઈ અમીનના આગ્રહથી તેમણે રાજ્યની નોકરી છોડી અને પેટલાદની ખાનગી માધ્યમિક શાળામાં મૅટ્રિક માટે ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયા. તેમણે પેટલાદથી પ્રકાશિત થતા સામયિક ‘શિક્ષક’માં ‘એક શિક્ષકની ડાયરી’ પ્રકાશિત કરી. આર્થિક ખોટને કારણે મૅટ્રિકનો વર્ગ બંધ થતાં તેમને છૂટા કરવામાં આવ્યા. એ પછી એમણે શેઠ અંબાલાલ સારાભાઈનાં બે સંતાનોના પૂર્ણ સમયના શિક્ષક તરીકે કાર્ય કર્યું. એમના પ્રભાવના કારણે સારાભાઈ પરિવારના પાશ્ચાત્ય રહેણીકરણીમાં બદલાવ આવ્યો અને ગુજરાતી રહેણીકરણી થઈ. તેમના કારણે સારાભાઈ પરિવારનો ગિજુભાઈ, ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોર સાથે  સંબંધ બંધાયો. નિવૃત્તિજીવન માટે નોકરીના પ્રથમ ગામ કોસિંદ્રાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમને આગ્રહપૂર્વક ગામમાં રહેવા કહ્યું. તેઓ ત્યાં આશ્રમ સ્થાપીને ત્રણ વર્ષ રહ્યા. શેઠ અંબાલાલ સારાભાઈના આગ્રહને કારણે તેઓ ફરી અમદાવાદ આવ્યા. આ પછી પારિવારિક કારણોસર મુંબઈ ગયા. ત્યાં બ્લડપ્રેશર અને લકવાને લીધે તેમનું અવસાન થયું. તેમની જન્મશતાબ્દી નિમિત્તે ‘સંસ્કાર શિક્ષક, ‘સંસ્કારલક્ષી શિક્ષણ : ગ્રંથ ૧ :  પત્રો અને સંસ્કારલક્ષી શિક્ષણ : ગ્રંથ ૨ : નોંધપોથીઓ – ભાગ ૧ અને ૨ પ્રગટ કરવામાં આવ્યા છે.