મનની કેદ


ઍડૉલ્ફ હિટલર(૧૮૮૭-૧૯૪૫)ને એવો અહંકાર હતો કે ફક્ત જર્મનો જ જગતમાં શુદ્ધ લોહીવાળા, શક્તિશાળી અને શ્રેષ્ઠ આર્યો હોવાથી એ દુનિયા પર રાજ્ય કરવાની યોગ્યતા ધરાવે છે. એને ન કોઈ ગુલામ બનાવી શકે કે ન કોઈ હરાવી શકે. પોતાની જાતિની શ્રેષ્ઠતાના આવા ખ્યાલથી એણે યહૂદીઓની મોટે પાયે સામૂહિક હત્યા કરી. આ હત્યાને માટે એણે ‘કોન્સન્ટ્રેશન કૅમ્પ’ ઊભા કર્યા અને જર્મનીના આ કોન્સન્ટ્રેશન કૅમ્પમાં અને યુરોપના અન્ય દેશોમાં સાઠ લાખ જેટલા યહૂદીઓને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. એની ‘ગૅસ ચેમ્બર્સ’માં એણે માણસોને ગૂંગળાવીને મારી નાખ્યા. યુરોપના લગભગ સાઠ ટકા યહૂદીઓની આવી એણે ક્રૂર કતલ કરાવી અને એ કહેતો કે ‘કોઈ પણ જાતની દયા વગર પાશવી બળથી દુશ્મનોનો નાશ કરો.’ આવા હિટલરના કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી થોડાક ભાગ્યશાળી લોકો એક યા બીજા પેંતરા અજમાવીને ઊગરી ગયા. આવી રીતે કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી બચેલા અને નાઝી અફસરોને મહાત કરનારા બે મિત્રો વર્ષો પછી મળ્યા ત્યારે પહેલા મિત્રએ પૂછ્યું, ‘આ નાઝીઓએ ભારે કત્લેઆમ ચલાવી. કોઈ શાસકે આટલી મોટી સંખ્યામાં માનવ-હત્યાઓ કરી નથી. આપણે વર્ષો સુધી મોતના ભય હેઠળ જેલમાં પુરાઈ રહ્યા, પણ હવે વર્ષો બાદ તેં એ નાઝીઓને માફી આપી છે ખરી ?’ બીજી વ્યક્તિએ કહ્યું, ‘હા, મેં એમને માફી આપી દીધી છે.’ ત્યારે પહેલા મિત્રએ આક્રોશથી કહ્યું, ‘ના, હજી હું એ ભયાવહ દિવસો સહેજે ભૂલ્યો નથી. એ યાતના અને પારાવાર વેદનાઓ એટલી જ તાજી છે. નાઝીઓ પ્રત્યેનો મારો ધિક્કાર સહેજે ઓછો થયો નથી. એ દિવસો મારાથી કેમેય ભુલાતા નથી.’ બીજા મિત્રએ કહ્યું, ‘તો તું હજીય નાઝીઓની કેદમાં જ છે !’