જ. ૨૩ ઑગસ્ટ, ૧૯૧૮ અ. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૧

જાણીતાં ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી અન્ના મણિનો જન્મ ત્રાવણકોર, કેરળમાં થયો હતો. તેમના પિતા બાંધકામના ઇજનેર હતા. બાળપણથી જ અન્નાને વાંચનનો ઘણો શોખ હતો. આઠ વર્ષનાં હતાં ત્યાં સુધીમાં જાહેર પુસ્તકાલયમાં મલયાળમ ભાષાનાં લગભગ બધાં પુસ્તકો વાંચી લીધાં હતાં. આઠમી વર્ષગાંઠ નિમિત્તે હીરાની બુટ્ટીને બદલે તેઓએ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનો સેટ માંગ્યો હતો. તેઓ ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતાં અને કાયમ ખાદી પહેરતાં હતાં. ઈ. સ. ૧૯૩૯માં તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્રના વિષયમાં બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂર્ણ થતાં તેઓ પ્રો. સી. વી. રામનના હાથ હેઠળ કામ કરવા લાગ્યાં. તેમણે માણેક તથા હીરાના પ્રકાશીય ગુણધર્મો અંગે સંશોધન કર્યું. પાંચ સંશોધન પેપર લખવા છતાં માસ્ટર ડિગ્રી મેળવી ન હોવાથી પીએચ.ડી.ની ડિગ્રીથી વંચિત રહ્યાં. ૧૯૪૫માં ઇંગ્લૅન્ડ જઈ પ્રકાશીય સાધનો જે હવામાન જાણવા માટે વપરાય છે તેનો અભ્યાસ લંડનની ઇમ્પીરિયલ કૉલેજમાં કર્યો. ત્યારબાદ ૧૯૪૯માં ભારત પાછા ફરી પૂનાના ઇન્ડિયન મિટિયૉરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટમાં અને બૅંગાલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું. હવામાનશાસ્ત્રને લગતાં સાધનો માટે તેમણે ઘણાં સંશોધનો કર્યાં. હવામાનનાં સાધનોનાં ક્ષેત્રે ભારત સ્વાવલંબી બને તે માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેઓએ સૌર વિકિરણ, પવન-ઊર્જાનાં સાધનો તથા ઓઝોન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. ૧૯૭૬માં નિવૃત્ત થતાં પહેલાં તેમણે ભારતીય હવામાન ખાતામાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૮૭માં તેમને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી તરફથી કે. આર. રામનાથન્ મેડલથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. તેમને બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં સંશોધન કરવા માટે સ્કૉલરશિપ મળી હતી. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ અકાદમી, અમેરિકન મિટિયૉરૉલૉજિકલ સોસાયટી, ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી અને વર્લ્ડ મિટિયૉરૉલૉજિકલ ઑર્ગેનાઇઝેશન જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં.
અમલા પરીખ
