જ. ૨૭ ઑગસ્ટ, ૧૯૦૮ અ. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૦૧

‘ડોન’ના ઉપનામથી જાણીતા ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને ક્રિકેટના ઇતિહાસના સર્વોત્કૃષ્ટ બૅટ્સમૅન તરીકે ઓળખવામાં આવે છે. એની ટેસ્ટમૅચની બૅટિંગ સરેરાશ ૯૯.૯૪ છે, જે કોઈ પણ સ્પર્ધા માટે ઘણી મોટી સિદ્ધિ ગણાય છે. ઑસ્ટ્રેલિયાનાં લોકગીતોમાં જુવાન ડોનાલ્ડ બ્રેડમેનની સિદ્ધિનાં ગીતો સાંપડે છે. વીસ વર્ષની એની કારકિર્દીમાં ડોનાલ્ડ બ્રેડમેનની ઝંઝાવાતી બૅટિંગને થંભાવવા માટે ઇંગ્લૅન્ડની ટીમને વિવાદાસ્પદ એવી બૅટ્સમૅનના શરીરને લક્ષ્ય કરતી ‘બૉડીલાઇન’ ગોલંદાજી શોધવી પડી હતી. માત્ર બે વર્ષમાં એ ગામડાંનાં ક્રિકેટમાંથી ઑસ્ટ્રેલિયન ટીમમાં પ્રવેશ પામ્યો અને બાવીસમા જન્મદિવસ પૂર્વે નોંધાવેલા એના વિક્રમો હજી વણતૂટ્યા છે. પોતાની પ્રથમ કક્ષાના શેફિલ્ડ શિલ્ડની પ્રથમ મૅચમાં એડિલેડ પર દક્ષિણ ઑસ્ટ્રેલિયાની ટીમ સામે એમણે ૧૧૮ રન કર્યા હતા અને પછી એમની પ્રથમ કક્ષાની એકવીસ વર્ષની કારકિર્દીમાં દર ત્રણ દાવમાં એક વાર સદી કરવાની ભવ્ય અને અણનમ સિદ્ધિ નોંધાવી છે. ૧૯૪૮માં નિવૃત્તિ સમયે ૧૧૭ સદી નોંધાવી હતી, જેમાંથી ૨૯ ટેસ્ટ સદી છે. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એમનો સૌથી મોટો જુમલો અણનમ ૪૫૨ રનનો છે, ૩૦૦ રનથી વધુ ૬ દાવ, ૨૦૦ રનથી વધુ ૩૭ દાવ એ ખેલ્યા છે. એમની બૅટિંગકલા એવી હતી કે ગોલંદાજ પર એ સતત આક્રમણ કરતા. મૅચ અને ટીમની પરિસ્થિતિ પ્રમાણે એ ખેલતા, પરંતુ ચપળ આંખ અને અંગોના સંવાદીપણાને કારણે એ ખૂબ જોશથી સ્ટ્રોક લગાવી શકતા. ક્યારેક તો એમની શક્તિ અને એમની ક્ષમતા માનવીય ક્ષમતાઓને પાર કરતી લાગતી હતી. એ બાવન ટેસ્ટ રમ્યા, જેમાં ૨૪ ટેસ્ટમાં સુકાની તરીકે દેશની આગેવાની સંભાળી. વળી ટેસ્ટમૅચની જે પાંચ શ્રેણીમાં એમની આગેવાની હેઠળ ઑસ્ટ્રેલિયા રમ્યું, તેમાં એક પણ વાર એણે ‘રબર’ ગુમાવ્યું નથી. કુલ ૬,૯૯૬ રન કરનાર ડોન બ્રેડમેન ૧૯૪૮ની ઓવલની છેલ્લી ટેસ્ટમાં હોલિસ નામના સામાન્ય ગોલંદાજને હાથે શૂન્ય રને આઉટ થયા હતા અને આને પરિણામે એમની ટેસ્ટ સરેરાશ ૧૦૦ થવાને બદલે ૯૯.૯૪ પર અટકી ગઈ. અનેક વિક્રમો ધરાવનાર ડોન બ્રેડમેનને ટેસ્ટ પ્લેયર તરીકે અડધી સદીની નિવૃત્તિ બાદ ૧૯૯૭માં ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન જ્હોન હાર્વર્ડે એમને ‘સૌથી મહાન જીવંત ઑસ્ટ્રેલિયન’ તરીકે ગણાવ્યા હતા. એમની સ્મૃતિમાં ટપાલટિકિટ અને સિક્કાઓ ઉપરાંત એમની હયાતીમાં એક મ્યુઝિયમ પણ તૈયાર થયું હતું.
કુમારપાળ દેસાઈ
