આજે સમાજમાં માણસ બીજાના પર જવાબદારીનો ટોપલો ઓઢાડવા માટે અતિ આતુર છે. ‘આ તમારું કામ છે’ ત્યાંથી માંડીને ‘આ તમારી જવાબદારી છે’ ત્યાં સુધીનાં સૂચનો, શિખામણો અને સલાહો આપતો હોય છે. એને બીજાને એમની જવાબદારી શિખવાડવામાં જેટલો રસ છે, એટલો રસ પોતાની જવાબદારી શી છે એ વિશે વિચારવામાં નથી. એ મોટા ભાગે પોતાની મર્યાદાઓ માટે કુટુંબ, સમાજ કે રાષ્ટ્રને દોષ આપતો હોય છે. આનું કારણ શું ? આનું કારણ એટલું જ કે માણસને પોતાની જવાબદારી શી છે, એ વિશે વિચાર કરતી વખતે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. એને ખ્યાલ જ નથી કે એની જવાબદારી કઈ છે ? એ કોને વફાદાર છે ? એને પરિણામે જેના તરફ એની સૌથી મોટી જવાબદારી છે, એની સૌથી વધુ ઉપેક્ષા કરે છે. વ્યક્તિની સૌથી મોટી જવાબદારી એના આત્મા પ્રત્યે છે, પણ માનવી ભાગ્યે જ પોતાના આત્માનો વિચાર કરતો હોય છે. એ બીજાની દુર્ગતિ વિશે જેટલું બોલતો હોય છે, એમાંનું કશુંય પોતાની સારી ગતિ વિશે વિચારતો નથી, આથી એની ખરી જવાબદારી પોતાના આત્મા પ્રત્યે છે અને એ આત્મા જ એના સુખ અને દુ:ખનું કારણ છે. એ પોતાના સુખ માટે ભૌતિક વસ્તુઓને મહત્ત્વ આપે છે અને પોતાના દુ:ખ માટે બીજાને દોષ આપે છે. જો એ સમજે કે આત્માને યોગ્ય માર્ગે ગતિ આપવાની પોતાની જવાબદારીમાંથી એ ચૂક્યો છે, તો જ એને સચ્ચાઈનો ખ્યાલ આવે. આ આત્મા મળ્યો છે, એને ઉચ્ચ માર્ગે લઈ જવો, પછી તેને તમે મુક્તિ કહો કે મોક્ષ, તે વ્યક્તિનું પરમ કર્તવ્ય છે. વક્રતા તો એ છે કે એ જીવનમાં પરિવારની, કુટુંબની કે રાષ્ટ્રની જવાબદારીનો વિચાર કરે છે પણ ક્યારેય એ પોતાના પરમ કર્તવ્યનો વિચાર કરતો નથી.
કુમારપાળ દેસાઈ
