અમૃતલાલ હરગોવિંદદાસ


જ. ૨૯ ઑગસ્ટ, ૧૮૮૯ અ. ૧૧ માર્ચ, ૧૯૭૪

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર અમૃતલાલનો જન્મ અમદાવાદ નજીક કુહા ગામમાં થયો હતો. ગુજરાત કૉલેજમાંથી બી.એ. અને મુંબઈથી એલએલ.બી. થઈ ઈ. સ. ૧૯૧૨-૧૩માં અમદાવાદ ખાતે વકીલાતથી કારકિર્દી આરંભીને દોઢ-બે વર્ષ બાદ પિતાજીની શરાફી પેઢીમાં જોડાયા. તેમણે ઝડપથી વ્યવસાય શીખી લીધો અને ટૂંક સમયમાં કાપડમિલના માલિક બન્યા. ત્યારબાદ અમદાવાદ ટેક્સટાઇલ મિલ ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ પણ બન્યા. ઈ. સ. ૧૯૨૭માં જ્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે હજારો મકાનો પડી ગયાં હતાં અને જાનમાલની ભારે ખુવારી થઈ હતી તે સમયે તેમણે સરદાર વલ્લભભાઈની સાથે રહીને રાહત તેમ જ પુનર્વસવાટનાં કાર્યોમાં સક્રિય ફાળો આપ્યો હતો. ગરીબ કુટુંબોને પૂરેપૂરી સહાય મળે તેવો આગ્રહ રાખ્યો હતો. ઈ. સ. ૧૯૩૬માં પિતાશ્રીના નામ પરથી અમદાવાદની પ્રસિદ્ધ એચ. એલ. (હરગોવનદાસ લખમીચંદ) કૉલેજ ઑફ કૉમર્સની સ્થાપના કરી. પોતાના સોળ વર્ષના પુત્ર બંસીલાલની સ્મૃતિમાં આણંદ ખાતેની બંસીલાલ ઍગ્રિકલ્ચરલ કૉલેજ અને ધર્મપત્નીના સ્મરણાર્થે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ ખાતે મણિબહેન અમૃતલાલ આયુર્વેદિક કૉલેજની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૩૬માં બગીચા મિલનું અને ૧૯૫૬માં બગીચા મિલ નં. ૨નું સફળ સંચાલન કર્યું. ૧૯૬૭માં તેમણે બંને મિલો વેચીને જનહિતનાં કાર્યો પર લક્ષ આપ્યું. ઈ. સ. ૧૯૩૫માં શેઠ કસ્તૂરભાઈ સાથે રહી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના, ૧૯૪૯માં ગુજરાત વેપારી મહામંડળની સ્થાપના અને ૧૯૫૪માં ગુજરાત રેલરાહત સમિતિનો પ્રારંભ – આ એમનું વ્યાપાર-ઉદ્યોગ અને શિક્ષણ-સમાજ તરફ દૃષ્ટિસંપન્ન યોગદાન છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવા સ્થાપેલા ટ્રસ્ટફંડમાં ૪૨ લાખ રૂ.નો ફાળો તેઓએ એકઠો કર્યો હતો. અમદાવાદને વાડીલાલ હૉસ્પિટલ માટે તેમણે ૧૪ લાખ રૂ.નો ફાળો આપ્યો હતો. ગુજરાતના બધા જ પ્રાણપ્રશ્નોમાં તેઓએ સક્રિય રસ દાખવ્યો હતો. તેમના મહાત્મા ગાંધી, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, કસ્તૂરભાઈ લાલભાઈ, ગણેશ માવલંકર સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને રાષ્ટ્રીય હેતુ માટે મુક્તપણે દાન આપતા હતા.