જ. ૩૧ ઑગસ્ટ, ૧૯૩૩ અ. ૯ મે, ૨૦૨૧

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે જાણીતા ધીરુ પરીખનો જન્મ વિસનગરમાં થયો હતો. પિતા ઈશ્વરલાલ પરીખ ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા અને ગાંધીજીની વિચારસરણીને વરેલા હતા. તેમનાં માતાનું નામ ડાહીબહેન હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિરમગામમાં જ થયું હતું. ભણવામાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા. અભ્યાસકાળથી જ ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખવાની શરૂઆત કરેલી અને આઝાદીની લડતમાં પણ સક્રિય રહ્યા હતા. ૧૯૫૫માં બી.એ., ૧૯૮૫માં એમ.એ. અને ૧૯૬૬માં ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ વિષય પર મહાનિબંધ લખીને તેઓ પીએચ.ડી. થયા હતા. પ્રારંભમાં થોડો સમય મૉડર્ન હાઈસ્કૂલ, અમદાવાદમાં શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૫૯થી અમદાવાદાની સી. યુ. શાહ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. ૧૯૬૭થી ૧૯૬૯ સુધી તેઓ વઢવાણની મહિલા કૉલેજમાં આચાર્યપદે રહ્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૭ દરમિયાન ફરી સી. યુ. શાહ કૉલેજમાં જોડાયા અને ત્યારબાદ ૧૯૭૭થી ૧૯૯૩ સેવાનિવૃત્તિ સુધી ભાષા-સાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રોફેસર અને અધ્યક્ષપદે સેવાઓ આપી હતી. ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપકોમાં તેમનું સ્થાન નોંધપાત્ર છે. ધીરુ પરીખ પાસેથી આઠ કાવ્યસંગ્રહો, બે વાર્તાસંગ્રહો, બે જીવનચરિત્રો, તેર વિવેચનસંગ્રહો, તેર સંપાદનો, બે અનુવાદ અને એક એકાંકીસંગ્રહ એમ વૈવિધ્યપૂર્ણ સાહિત્ય પ્રાપ્ત થયું છે. ‘ઉઘાડ’, ‘આગિયા’ અને ‘અંગપચીસી’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. તેઓ ‘વિશ્વકવિતા કેન્દ્ર’ના સહઆયોજક તરીકે અને ગુજરાતીનો અધ્યાપક સંઘ તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહી ચૂકેલા છે. જાણીતા સામયિક ‘કવિલોક’ અને ‘કુમાર’ના તંત્રી તરીકે અને ‘બુધ-કવિસભા’ના સંચાલક તરીકે તેઓ જીવનપર્યંત સક્રિય રહ્યા હતા. ધીરુ પરીખને ૧૯૭૧માં કુમારચંદ્રક, ૧૯૮૨માં જયંત પાઠક પારિતોષિક, સચ્ચિદાનંદ સન્માન, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક અને ૨૦૦૮માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અશ્વિન આણદાણી
