મનુષ્યે કેવો આત્મઘાત કર્યો છે ! એણે પોતે જ પોતાનું સત્યાનાશ વાળીને લાચાર, પરાવલંબી અને ભયગ્રસ્ત જીવન પસંદ કર્યું છે. મૂલ્યવાન જીવનનો દિશાહીન ઉપયોગ કરીને પોતાના આત્માને નિર્બળ કરી નાખ્યો છે અને જીવનની મસ્તીનો શિરચ્છેદ કર્યો છે. હાથમાં હીરો મળે એ રીતે સુંદર જીવન મળ્યું, પરંતુ એને કોલસા રૂપે વાપરીને જીવન-નિર્માણની કલ્પના રોળી નાખી છે. આજના મનુષ્યને જે ઘાતક છે, તેનો પૂર્ણ પરિચય છે અને જે સર્જક છે તે વિશે સંપૂર્ણપણે અજ્ઞાત છે. એને હિંસાની જુદી જુદી તાલીમની તથા વિનાશક શસ્ત્રોની રજેરજ માહિતી છે, પરંતુ એ ખ્યાલ નથી આવતો કે અહિંસાની પણ તાલીમ લેવી જોઈએ. જ્યાં તાલીમનો વિચાર ન હોય, ત્યાં અહિંસા માટેની સજ્જતા ક્યાંથી જાગે ? એ ક્રોધ કરે છે અને એમાંથી નીકળતી ઊર્જાનો એને ખ્યાલ છે, પરંતુ એને પ્રેમની ઊર્જાનો લેશમાત્ર અનુભવ નથી. વિજ્ઞાનનો વિકાસ સાધીને અનેક નવાં નવાં સાધનો બનાવ્યાં છે, પરંતુ આ ભૌતિક સાધનોની વચ્ચે એ ચેતનાની ખેતી કરવાનું ભૂલી ગયો છે. જીવનમાં ભૌતિક ચીજવસ્તુઓનો એટલો બધો મહિમા કર્યો કે અપરિગ્રહી જીવનની કલ્પના પણ એના ચિત્તમાં આવતી નથી. વિજ્ઞાનનો વિકાસ, ટૅકનૉલૉજીની હરણફાળ અને વસ્તુઓનું જંગી ઉત્પાદન એણે કર્યું, પરંતુ એની સામે આત્મવિકાસ તરફ દુર્લક્ષ્ય સેવ્યું, અનંતમાં હરણફાળ ભરવા માટે આધ્યાત્મિક છલાંગ લગાવવાનો વિચાર ભૂલી ગયો અને વસ્તુઓના જંગી ઉત્પાદનની સાથોસાથ જીવનના આંતરિક આનંદને વીસરી ગયો. હવે તમે જ કહો, માણસે બિચારા માણસની કેવી બૂરી હાલત કરી છે !
કુમારપાળ દેસાઈ
