કિશન મહારાજ


જ. ૩ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૪ મે, ૨૦૦૮

ભારતના બનારસ ઘરાનાના વિખ્યાત તબલાવાદક. તેમનો જન્મ જન્માષ્ટમીને દિવસે થયો હોવાથી તેમનું નામ કિશન રાખવામાં આવ્યું. તેમના પિતા હરિ મહારાજ સારા તબલાવાદક હતા, પરંતુ પિતાનું નાની વયે અવસાન થતાં કિશન મહારાજના ઉછેર અને સંગીતશિક્ષણની જવાબદારી તેમના કાકા અને વિખ્યાત તબલાવાદક કંઠે મહારાજે લીધી. માત્ર પાંચ વર્ષની વયથી કિશન મહારાજે તબલાવાદનની સાધના શરૂ કરી. તેઓ શરૂઆતથી જ અટપટા તાલ વગાડવામાં વિશેષ રસ ધરાવતા. પરિણામે સરળ માત્રાવાળા તાલ વગાડવાની કળા તેમને સહજ રીતે હસ્તગત બની. તેઓ સ્વતંત્ર એકલ તબલાવાદક તરીકે ખ્યાતિ ધરાવે છે. દેશના વિખ્યાત કંઠ્ય અને વાદ્ય સંગીતકારો સાથે સંગીત સંમેલનો તથા મહેફિલોમાં તેમણે સંગત કરી હતી. શાસ્ત્રીય કંઠ્ય તથા વાદ્યસંગીત, ધ્રુપદ, ધમાર સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત ઉપરાંત નૃત્ય જેવાં વિવિધ ક્ષેત્રોના કલાકારો સાથે તેઓ કુશળતાપૂર્વક સંગત કરી શકતા. તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ બડે ગુલામ અલીખાં, ઉસ્તાદ ફૈયાઝખાં, પંડિત ભીમસેન જોષી, પંડિત રવિશંકર જેવા મોટા સંગીતકારો સાથે સંગત કરી હતી. વળી તેમણે નૃત્યની દુનિયાના મહાન કલાકાર શંભુ મહારાજ, બિરજુ મહારાજ, સિતારાદેવી વગેરેના કાર્યક્રમોમાં પણ તબલાં પર સંગત કરી હતી. તેમણે ગુરુશિષ્ય પરંપરા પદ્ધતિથી અનેક તાલીમાર્થીઓને તબલાવાદનની તાલીમ આપી છે. તેમના અનેક શિષ્યોએ તબલાવાદનક્ષેત્રે નામના મેળવી છે. તેઓ સંસ્કૃતિ અને ચિત્રકલામાં પણ ઊંડો રસ ધરાવતા હતા. હિંદી ભાષામાં લખેલી તેમની કાવ્યરચનાઓ ઉચ્ચ કક્ષાની ગણાય છે. ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે ૧૯૫૦-૫૧માં રશિયાનો પ્રવાસ ખેડ્યો હતો. તેમને સંગીતક્ષેત્રે તેમના પ્રદાન બદલ અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે ૧૯૭૩માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા અને ૨૦૦૨માં પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.