નીરજા ભનોત


જ. ૭ સપ્ટેમ્બર, ૧૯૬૩ અ. ૫ સપ્ટેમ્બર, ૧૯૮૬

નીરજાનો જન્મ મુંબઈમાં થયો. તે હરીશ ભનોત અને રમા ભનોતનું ત્રીજું સંતાન. તે સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી સ્નાતક થઈ. ત્યારબાદ તરત જ મૉડલિંગના કામ માટે તેની પસંદગી થઈ ગઈ. ૧૯૮૫માં તે પાન-અમેરિકન ઍરલાઇન્સમાં પરિચારિકા તરીકે પસંદ થઈ, જેની તાલીમ લેવા માટે તે ફ્લોરિડા ગઈ. તે પછી તેણે પરિચારિકા અને મૉડલિંગ એમ બેવડી જવાબદારી સ્વીકારી હતી. પાંચ સપ્ટેમ્બર, ૧૯૮૬માં પાન એમ લાઇટ ૭૩ની મુંબઈથી યુનાઇટેડ સ્ટેટ જતી વિમાનની સફરમાં જવા માટે નીરજાને તેડું આવ્યું. તે ગોઝારા દિવસે, વહેલી સવારે નીરજા પોતાના કાર્યમાં રોકાયેલી હતી ત્યાં તેની નજર વિમાનમાં બેઠેલા ચાર અપહરણકારો પર પડી. તેઓ રિવૉલ્વર હાથમાં પકડીને બેઠા હતા. આ દૃશ્ય જોઈ ૨૩ વર્ષની, ટૂંકી કારકિર્દી ધરાવતી નીરજા બધી પરિસ્થિતિ પામી ગઈ અને તેણે નીડર નિર્ણયો લેવા માંડ્યા. વિમાન હજી તો કરાંચીના વિમાનમથક પર ઊભેલું હતું. આથી સૌપ્રથમ તો તેણે કૅપ્ટન અને બીજા અધિકારીઓને ચેતવી દીધા. નીરજાએ ધાર્યું હોત તો તે નીકળી શકી હોત. તેને બદલે તેણે ૩૬૦ જેટલા પ્રવાસીઓના જાન બચાવ્યા. તે પ્રવાસીઓને હિંમત આપતી રહી. આતંકવાદીઓની બંદૂક વચ્ચે પણ તે નીડરતાથી પોતાની ફરજ બજાવતી રહી. છેવટે ઘાયલ થઈ પોતાનો જાન ગુમાવ્યો. થોડા જ મુસાફરોની જાનહાનિ થઈ પણ મોટા ભાગના મુસાફરો બચી ગયા. અપહરણકર્તાઓ છેવટે પકડાઈ ગયા. ભારત સરકાર તરફથી સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘અશોકચક્ર’ ૧૯૮૭ની ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાકદિનની પરેડમાં નીરજાની માતાને તત્કાલીન રાષ્ટ્રપતિ ઝૈલિંસઘના હાથે એનાયત થયો. તેના જીવન પરથી ‘નીરજા’ નામની હિંદી ફિલ્મ બની. તેના સન્માનમાં ટપાલટિકિટ પણ બહાર પડી છે અને ભનોત કુટુંબ તરફથી તેની સ્મૃતિમાં પ્રતિ વર્ષ નીરજા ભનોત ઍવૉર્ડ પણ આપવામાં આવે છે.