સોમનાથ


હિન્દુઓનું પ્રસિદ્ધ તીર્થધામ. ભારતનાં બાર જ્યોતિર્લિંગોમાં તે પ્રથમ હોવાથી તેનું ધાર્મિક મહત્ત્વ અનેકગણું છે. તે પ્રભાસપાટણ તરીકે પણ જાણીતું છે. અહીં શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો હોવાથી તે દેહોત્સર્ગ કે ભાલકા તીર્થ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળ અહીંના શૈવમંદિર –સોમનાથના મંદિરને લીધે વધુ જાણીતું છે. મંદિરમાંનું લિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે. પૌરાણિક કથા પ્રમાણે સોમે (ચંદ્રે) આ મંદિર બંધાવ્યું હોવાથી તે ‘સોમનાથ’ તરીકે પ્રસિદ્ધ થયું. તીર્થસ્થાન હોવા ઉપરાંત પ્રાચીન કાળમાં તે સમૃદ્ધ બંદર પણ હતું. રાતા સમુદ્રનાં, ઈરાની અખાતનાં અને પૂર્વ આફ્રિકાનાં બંદરો સાથે તેનો બહોળો વેપાર ચાલતો હતો. સોમનાથના મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો હતો. મૂળમાં એ મંદિર મૈત્રકકાળ (ઈ. સ. ૪૭૦–૭૮૮) દરમિયાન હયાત હોવાનું જણાય છે. સોલંકી રાજ્યના સ્થાપક મૂળરાજે આ મંદિરની અનેક વાર યાત્રા કરી હતી. ભીમદેવ પહેલાએ નવેસરથી આ મંદિર બંધાવ્યું હતું. ઈ. સ. ૧૦૨૬માં મહમૂદ ગઝનવીએ તેને ખંડિત કર્યું તેથી ભીમદેવે તેની મરામત કરાવી. રાજા કુમારપાલે ઈ. સ. ૧૧૬૯માં તેનું નવનિર્માણ કર્યું. ઈ. સ. ૧૨૯૯માં સુલતાન અલ્લાઉદ્દીન ખલજીના સરદાર ઉલૂઘખાને તે તોડ્યું. તે પછી જૂનાગઢના રાજા મહિપાલે તેનો પુનરુદ્ધાર કરેલો. તેના પુત્ર ખેંગારે ૧૩૨૫–૧૩૫૧ દરમિયાન તેમાં શિવલિંગની સ્થાપના કરેલી. ૧૪૬૯માં મહમ્મદ બેગડાએ મંદિરના સ્થાને મસ્જિદ બંધાવી. ૧૭૮૩માં ઇંદોરનાં રાણી અહલ્યાબાઈ હોલકરે જૂના મંદિરથી થોડે દૂર ફરી નવું મંદિર બંધાવ્યું. શિવલિંગની સ્થાપના ભોંયરામાં કરી અને ઉપરના ભાગે મંદિર બાંધવામાં આવ્યું.

સોમનાથ મંદિર, સોમનાથ

૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયા બાદ સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, જામનગરના જામસાહેબ આદિ અગ્રણીઓએ ફરી એક વાર આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. ૧૯૫૧–૧૯૬૧ દરમિયાન તેનું બાંધકામ પૂર્ણ થતાં તેને ‘કૈલાસ મહામેરુપ્રાસાદ’ નામ આપવામાં આવ્યું. ૧૧ મે, ૧૯૫૧ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને હસ્તે અહીં જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી. તાજેતરમાં સોમનાથ મંદિરના ગર્ભગૃહને સોનાના પતરાથી મઢવામાં આવ્યું છે. અહીં અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીઓનો ત્રિવેણીસંગમ થાય છે. ભાવિકો ત્રિવેણીસંગમના સ્થાને સ્નાન કરી મહાદેવની પૂજા કરે છે. વળી આ સંગમના સ્થળે ચૈત્ર અને ભાદરવામાં લોકો પિતૃશ્રાદ્ધ કરે છે. કાર્તિકી પૂર્ણિમાને દિવસે અહીં ત્રિપુરાન્તક મેળો ભરાય છે. મંદિરથી થોડેક દૂર શ્રીકૃષ્ણના દેહોત્સર્ગનું સ્થાનક આવેલું છે, તે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે. અહીં વૈષ્ણવ સંપ્રદાયના શ્રીમદવલ્લભાચાર્યની બેઠક પણ આવેલી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦