જ. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૫ ઑગસ્ટ, ૨૦૦૦

દૃષ્ટિવંત સુકાની, આક્રમક બૅટ્સમૅન, નિપુણ મધ્યમ ઝડપી ગોલંદાજ, સફળ વિકેટકીપર, સમર્થ સુકાની અને સિલેક્શન કમિટીના દીર્ઘદ્રષ્ટા સિલેક્ટર તરીકે લાલા અમરનાથે ભારતીય ક્રિકેટમાં આગવી નામના હાંસલ કરી હતી. ભારતીય ક્રિકેટમાં સી. કે. નાયડુ પછી ભારતના ક્રિકેટ-શોખીનોનાં દિલોદિમાગ પર અઢી દાયકા સુધી છવાઈ જનાર પ્રતિભાશાળી ઑલરાઉન્ડર અને સમર્થ સુકાની લાલા અમરનાથની સેવાઓ અવિસ્મરણીય છે. લાલા અમરનાથ ૧૯૩૩માં ભારત તરફથી સર્વપ્રથમ ટેસ્ટ-સદી નોંધાવનારા બન્યા અને આઝાદ ભારતના સર્વપ્રથમ ટેસ્ટ-સુકાની બન્યા. ૧૯૫૨માં એમના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન સાથે પ્રથમ વાર ખેલાયેલી ટેસ્ટશ્રેણીમાં વિજય મેળવ્યો હતો. બૅટ્સમૅન તરીકે ઑફ-સાઇડના સ્ટ્રૉકનું પ્રભુત્વ ધરાવનાર લાલા અમરનાથ ‘સ્ક્વેર-કટ’ અને ‘સ્ક્વેર-ડ્રાઇવ’ લગાવવામાં કાબેલ હતા તેમજ ‘શૉર્ટ પીચ દડાને સ્ક્વેર લેગ તરફ મોકલી આપતા હતા. ઇંગ્લૅન્ડના પ્રભાવશાળી ગોલંદાજો સામે પોતાની પ્રથમ ટેસ્ટમાં ૨૧ બાઉન્ડ્રી સાથે ૨૧૦ મિનિટમાં ૧૧૮ રન કર્યા હતા. વિકેટકીપર તરીકે ક્રિકેટ ખેલવાનો પ્રારંભ કર્યો. સાહસિક બૅટ્સમૅન તરીકે ચોંકાવનારો પ્રવેશ કર્યો અને એ પછી ગોલંદાજ તરીકે વધુ ને વધુ ખીલતા રહ્યા અને એમની કારકિર્દીનું સમાપન જગતના ચુનંદા ઑલરાઉન્ડર તરીકે થયું. સ્વમાની અમરનાથની આસપાસ ક્યારેક વિવાદો પણ સર્જાયા હતા અને એક વાર એમને પ્રવાસ દરમિયાન અધવચ્ચેથી ભારત પાછા મોકલવામાં આવ્યા હતા. સ્વાધીન ભારતીય ટીમને વિદેશ લઈ જનારા આ સર્વપ્રથમ સુકાનીનું માન ધરાવનારા લાલા અમરનાથ ટેસ્ટશ્રેણીમાં ભારતને ‘રબર’ અપાવનારા પહેલા ગૌરવશાળી સુકાની છે. અમરનાથ ઇન-સ્વિંગર્સ નાખનારા મધ્યમ ઝડપી ગોલંદાજ હતા. જન્મજાત સુકાની તરીકે એમની પાસે વિકેટને પારખવાની અને વિદેશપ્રવાસનાં ભયસ્થાનોને સમજવાની ઊંડી સૂઝ હતી. ખેલાડી તરીકે વિદાય લીધા પછી ટીમના મૅનેજર તરીકે, રેડિયો-ટી.વી. કૉમેન્ટેટર તરીકે અને સિલેક્ટર તરીકે કામગીરી બજાવી. એમના પુત્ર સુરિન્દર અને મોહિન્દર અમરનાથ ટેસ્ટ ખેલાડી તરીકે અને સૌથી નાનો પુત્ર રાજિન્દર રણજી ટ્રૉફી ખેલાડી તરીકે રમ્યા હતા.
કુમારપાળ દેસાઈ
