જ. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૮ સપ્ટેમ્બર, ૨૦૧૯

સુપ્રસિદ્ધ ભારતીય વકીલ અને રાજનીતિજ્ઞ રામ જેઠમલાનીનો જન્મ બ્રિટિશ ભારતના શિકારપુર શહેરમાં (જે હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ છે) થયો હતો. તેમનું મૂળ નામ રામમૂલચન્દ જેઠમલાની હતું પણ બાળપણમાં રામ નામથી બોલાવતા હોવાથી આગળ જતાં પણ તે જ નામથી મશહૂર થયા. શિક્ષણમાં તેજસ્વી હોવાથી બે-બે ધોરણો એકસાથે પાસ કરી ૧૩ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી લીધી હતી. ૧૭ વર્ષની વયે એલએલ.બી.ની ઉપાધિ પણ મેળવી લીધી પણ તે સમયે ૨૧ વર્ષની ઉંમરે જ વકીલાત કરી શકાય તેવો નિયમ હતો. આમ છતાં ખાસ વિશેષ પ્રસ્તાવ પાસ કરી તેમને ૧૮ વર્ષની ઉંમરે વકીલાત કરવાની રજા આપવામાં આવી હતી. ત્યારબાદ કરાંચીની એસ. સી. સાહની કૉલેજમાંથી તેમણે એલએલ.એમ.ની ઉપાધિ મેળવી હતી. ૧૯૫૪માં તેઓએ મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત અમેરિકાના મિશિગન રાજ્યના ડેટ્રોઇટ શહેરમાં ‘વેઈન સ્ટેટ યુનિવર્સિટી’માં ‘કમ્પેરીટિવ લૉ’ના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ એક સારા રાજકારણી હોવાના નાતે છઠ્ઠી અને સાતમી લોકસભામાં મુંબઈમાંથી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓએ અટલબિહારી બાજપાયીની સરકારમાં કેન્દ્રીય કાયદામંત્રી, શહેરી વિકાસમંત્રી અને ન્યાયમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો પણ એક વિવાદાસ્પદ કથનને લીધે મતભેદ થયા. ૨૦૦૪માં લખનઉની લોકસભા માટે તેઓ વાજપેયીની સામે ચૂંટણી લડ્યા હતા પણ તેમની હાર થઈ હતી. ૧૯૯૬માં તેઓ ‘ઇન્ટરનેશનલ બાર ઍસોસિયેશનના સભ્ય બન્યા હતા. ત્યારબાદ ૭મી મે, ૨૦૧૦માં તેમને સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને ભાજપમાં પાછા ફર્યા. તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત હતા. તેમણે ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘બીગ ઇગોઝ, સ્મોલ મૅન’, ‘કોન્ફ્લિક્ટ ઑફ લૉઝ’ (૧૯૫૫), ‘કોન્સિયન્સ ઑફ અ મેવરીક’, ‘જસ્ટિસ : સોવિયેટ સ્ટાઇલ’, ‘મેવરીક : અનચેન્જડ્, અનરીપેન્ટન્ટ’. આ ઉપરાંત બીજા લેખકોના સહયોગમાં પણ તેમણે બીજાં પુસ્તકો લખ્યાં છે. તેમના ન્યાયશાસ્ત્રના પ્રદાન માટે તેમને ‘ઇન્ટરનેશનલ જ્યૂરિસ્ટ ઍવૉર્ડ’, ‘૧૯૭૭ – હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડ બાય વર્લ્ડ પીસ થ્રૂ લૉ’ એનાયત થયા છે.
રાજશ્રી મહાદેવિયા
