ડાકોર


ગુજરાતનું અગ્રગણ્ય વૈષ્ણવ તીર્થધામ. તે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ૨૨° ૪૫´ ઉ. અ. અને ૭૩° ૦૬´ પૂ. રે. ઉપર શેઢી નદીના કિનારે આવેલું છે. નડિયાદથી તે ૩૮ કિમી., આણંદથી ૩૦ કિમી. અને તાલુકામથક ઠાસરાથી ૮ કિમી. દૂર છે.  અહીં ડંક ઋષિનો આશ્રમ હતો, જેના નામ ઉપરથી આ નગર પ્રાચીન કાળમાં ડંકપુર કહેવાયું હતું. તેની આસપાસના પ્રદેશમાં ખાખરાનાં ઘણાં વૃક્ષો હોવાથી તે ભૂતકાળમાં ખાખરિયા તરીકે અને અનુશ્રુતિ પ્રમાણે ડાકોરની આસપાસનો પ્રદેશ હિડિંબા વન તરીકે ઓળખાતો હતો. સમુદ્રથી દૂર હોઈ આબોહવા સામાન્ય રીતે વિષમ હોય છે. મે માસમાં સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે ૪૧° અને ૨૬° સે. રહે છે, જ્યારે જાન્યુઆરી માસમાં સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન ૨૯° સે. અને ૧૪° સે. રહે છે. સરાસરી વાર્ષિક વરસાદ ૮૩૦.૮ મિમી. પડે છે. ડાકોર અનાજના વેપારનું કેન્દ્ર છે. અહીં પતરાળાં બનાવવાનો ગૃહઉદ્યોગ મોટા પાયા ઉપર ચાલે છે, જેની ત્યાંથી નિકાસ થાય છે. ઘરગથ્થુ  વપરાશનાં વાસણો તથા બીડી બનાવવાનો ગૃહઉદ્યોગ, કપાસ લોઢવાનું જિન, સાબુ તથા રબરની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં વિકસ્યાં છે. ડાકોર આણંદ–ગોધરા બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. નડિયાદ અને ગોધરા સાથે તે પાકા માર્ગથી જોડાયેલું છે. રાજ્ય-પરિવહનની  બસો દ્વારા તે રાજ્યનાં લગભગ બધાં શહેરો સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીયકૃત બૅંકોની શાખા ઉપરાંત ત્યાં સહકારી બકો છે.

રણછોડરાયનું મંદિર, ડાકોર

ડાકોરની વસ્તી ૩૭,૨૦૦ (૨૦૨૫, આશરે) છે. કુલ વસ્તી પૈકી ૮૩.૨૬% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે.

અહીં રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર છે. અનુશ્રુતિ અનુસાર ઈ. સ. ૧૧૫૬માં ભક્ત બોડાણા દ્વારકાથી રણછોડરાયની મૂર્તિ લાવ્યા હતા. દ્વારકાના ગૂગળી બ્રાહ્મણો આ મૂર્તિ પાછી લેવા આવ્યા હતા, પણ તેના બદલામાં ભારોભાર સોનું આપવાનું કહેતાં તેમણે આ દરખાસ્ત સ્વીકારી હતી. વજન કરતાં એક વાળી જેટલું જ વજન થયું હતું ! નવું મંદિર ૧૭૭૨માં ગાયકવાડના શ્રોફ કે શરાફ ગોપાળરાવ તાંબેકરે બંધાવ્યું હતું. આ મંદિર મહારાષ્ટ્રમાં પ્રચલિત હેમાદ્રિ શૈલીનું છે. મંદિરના નિભાવ માટે ડાકોર અને કંજરી ગામો અપાયાં હતાં. અહીં ગોમતી નામનું ઉત્તર–દક્ષિણ ૮૦૪.૭ મી. લાંબું અને ૨૦૧.૨ મી. પહોળું એક પવિત્ર તળાવ છે. ઉપરાંત, લક્ષ્મીજી, ડંકનાથ મહાદેવ, વિશ્વકર્મા-મંદિર, શેષષાયી વિષ્ણુનું મંદિર, કબીર-મંદિર, મહાપ્રભુજીની બેઠક, શ્રીયંત્ર સ્વરૂપનું સરસ્વતી મંદિર વગેરે અનેક મંદિરો છે. અહીં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કૉલેજો, સંસ્કૃત પાઠશાળા, પુસ્તકાલયો અને ધર્મશાળાઓ છે. કાર્તિકી અને અશ્વિન માસની પૂનમના દિવસે તથા હોળીના દિવસે મોટો મેળો ભરાય છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮