માઇકલ ફૅરડે


જ. ૨૨ સપ્ટેમ્બર, ૧૭૯૧ અ. ૨૫ ઑગસ્ટ, ૧૮૬૭

પ્રસિદ્ધ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેનો જન્મ લંડનની નજીકના પરગણામાં થયો હતો. તેમણે અનેક પ્રયોગો દ્વારા વિદ્યુત-ચુંબકત્વની ઘટના સમજાવવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. તેમના પિતા લુહારીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. શાળામાં જઈને શિક્ષણ મેળવવાનું તેમને માટે શક્ય નહોતું. આથી તેમણે ઘરે રહીને જ જ્ઞાન મેળવ્યું. તેર વર્ષની ઉંમરે પુસ્તકના એક વેપારીએે તેમને ઘેર ઘેર છાપાંઓ નાખી આવવાની નોકરી આપી. ત્યારબાદ એક પુસ્તકવિક્રેતાએ તેમને પોતાની દુકાનમાં રાખી બુકબાઇન્ડિંગનું કામ શીખવ્યું. અહીં મળતા ફાજલ સમયમાં માઇકલ પુસ્તકો વાંચતા. તેમનો માલિક પણ તેમને આ માટે ખૂબ પ્રોત્સાહન આપતો. એકવીસ વર્ષની વયે તેમને પ્રખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવીના મદદનીશ તરીકે કામ કરવાની તક મળી. ૧૮૨૧માં તેમણે વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું પ્રાથમિક પ્રતિરૂપ (Primitive Model) બનાવ્યું. ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર પ્રથમ વિજ્ઞાની બન્યા. ૧૮૨૫માં તેમણે કોલટારમાંથી બેન્ઝિનને છૂટું પાડ્યું. ૧૮૩૧માં વિદ્યુત-ચુંબકીય પ્રેરણની ઘટના શોધી કાઢી. તેમણે સૌપ્રથમ ડાયનેમો બનાવ્યો. તેમણે પરાવૈદ્યુતો (dielectrics), અવાહક પદાર્થોનો અભ્યાસ કર્યો. તેમણે ‘ફૅરડે અસર’ તરીકે જાણીતી ઘટનાની શોધ કરી. ૧૮૩૨ અને ૧૮૩૩માં તેમણે રસાયણશાસ્ત્રમાં વીજવિઘટન માટે સંખ્યાત્મક નિયમો આપ્યા. વિદ્યુત-મોટર અને વિદ્યુત-જનરેટરના તેઓ જનક હતા. તેમનાં વિજ્ઞાનને લગતાં અનેક પ્રકાશનો જાણીતાં થયાં છે. તેમનું મરણોત્તર પ્રકાશન ‘ધ વેરિયસ ફોર્સીઝ ઇન નેચર’ છે. ૧૮૧૩થી ફૅરડેએ રૉયલ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યભાર સંભાળ્યો. તેઓ ડેવીના ઉત્તરાધિકારી બન્યા અને ઇન્સ્ટિટ્યૂટની પ્રયોગશાળામાં ડિરેક્ટર બન્યા. વિદ્યુત-રસાયણમાં તથા ધાતુ-વિજ્ઞાનમાં અનેક પ્રયોગો કર્યા. અત્યંત પ્રસિદ્ધ ‘ડેવી સેફ્ટી લૅમ્પ’માં પણ ફૅરડેનો મહત્ત્વનો ફાળો હતો. સર ડેવી તેમનાં છેલ્લાં વર્ષોમાં કહેતા કે ‘મારા જીવનની સૌથી મોટી જો કોઈ શોધ હોય તો તે છે માઇકલ ફૅરડે !