બંધિયાર કોર્ટમાં રમાતી બૉલ અને રૅકેટની રમત.
આ રમતની શરૂઆત ૧૮૫૦માં ઇંગ્લૅન્ડની હેરો સ્કૂલમાં થઈ હતી. ‘રૅકેટ’ નામની રમતમાંથી સ્ક્વૉશની રમતનો ઉદભવ થયો હતો. લંડનની સ્કૂલોમાં, સામાજિક ક્લબોમાં ટેનિસ અને ક્રિકેટ ઉપરાંત વધારાની રમત તરીકે સ્ક્વૉશનો પ્રચાર થયો. ત્યારબાદ બ્રિટિશ સૈન્યમાં આ રમત રમાતી થઈ અને તે દ્વારા આ રમત ઇજિપ્ત અને ભારતમાં આવી. ૧૯૨૯માં આ રમતના નિયંત્રણ માટે સ્ક્વૉશ રૅકેટ ઍસોસિયેશનની સ્થાપના થઈ. ૧૯૬૭માં ઇન્ટરનેશનલ સ્ક્વૉશ રૅકેટ ઍસોસિયેશનની સ્થાપના થઈ ત્યારે ગ્રેટ બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલૅન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ આરબ રિપબ્લિક તેના સભ્યો હતા. પાછળથી અમેરિકા અને કૅનેડાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો. ભાઈઓ, બહેનો તથા જુનિયરો માટે આ રમતની સ્પર્ધાઓ યોજાય છે.

સ્ક્વૉશ રમતા ખેલાડીઓ
સ્ક્વૉશની રમત ચારેબાજુથી બંધિયાર કોર્ટમાં રમાય છે. તેની લંબાઈ ૯.૭ મી. તથા પહોળાઈ ૬.૪૦ મી. હોય છે. સામી દીવાલની છેક નીચે લાકડાની અથવા ધાતુની ૪૮ સેમી. પહોળી પટ્ટી હોય છે જે ટેલ્ટેલ, બોર્ડ અથવા ટિનથી ઓળખાય છે. તેના પર બૉલ અથડાય ત્યારે અવાજ થાય છે. કોર્ટની દીવાલો લીસી હોય છે. કોર્ટનું ભોંયતળિયું લાકડાનું અને દીવાલને સમાંતર હોય છે. ૫ સેમી. પહોળાઈની લાલ રંગની રેખાઓથી તે રેખાંકિત કરવામાં આવે છે. સ્ક્વૉશના રૅકેટનું માથું લાકડાની ફ્રેમવાળું જ્યારે હાથો લાકડું, ધાતુ અથવા ફાઇબર ગ્લાસનો બનેલો હોય છે. હાથા ઉપર પકડ માટે અનુકૂળ પદાર્થ લગાવી શકાય છે. રમતમાં વપરાતો દડો રબરનો અથવા મિશ્ર રબરનો હોય છે. તેનું વજન ૨૨.૩થી ૨૪.૬ ગ્રામ સુધીનું અને તેનો વ્યાસ ૩૯.૫ મિમી.નો હોય છે. સ્ક્વૉશની મૅચ પાંચ સેટની હોય છે; જેમાં ત્રણ સેટ જીતનાર ખેલાડી વિજેતા બને છે. રૅફરી ગૅલરીના મધ્યમાં બેસીને મૅચનું નિયંત્રણ કરે છે, જ્યારે માર્કર દરેક રમનારનો સ્કોર જાહેર કરે છે. રમતવીર દ્વારા દડો રમતમાં ચાલુ રહે અને પ્રતિસ્પર્ધીથી તેમ કરવાનું મુશ્કેલ બને તે રીતે આ રમત રમાય છે. આ રમતમાં ફક્ત સર્વિસ કરનારને જ ગુણ મળે છે. દડો દીવાલને અથડાઈને પાછો આવે અને લાકડાના ભોંયતળિયે બે વખત અથડાય તો ભૂલ ગણાય છે. લાકડાના ભોંયતળિયાને ફક્ત એક જ વખત બૉલ અથડાયા પછી તુરત જ દડાને રમવાનો હોય છે. દડો સામી દીવાલ સુધી ન પહોંચે તો ફટકો મારનાર ગુણ ગુમાવે છે. દડાને સતત બે વાર ફટકારવામાં આવે અથવા દડો ફટકો મારનારનાં કપડાંને અડકે તોપણ ભૂલ ગણાય છે. દરેક રમત ૯ ગુણની હોય છે. જ્યારે ૮ ગુણ સરખા થાય ત્યારે દડો ઝીલનાર ‘નો સેટ’ બોલે અને એ રીતે રમત ૯ ગુણની રમાય અને ‘સેટ-૨’ બોલે ત્યારે રમત ૧૦ ગુણ સુધીની રમાય છે. ડબલ્સની રમત માટે ૧૩૭ મી. લાંબો અને ૭
૬ મી. પહોળો કોર્ટ હોય છે. આ રમત ૧૫ ગુણની હોય છે. બાકીના નિયમો સિંગલ્સની રમત મુજબના હોય છે. દીપિકા પલ્લીકલ, સૌરવ ઘોસાલ, ૠત્વિક ભટ્ટાચાર્ય, સાઇરસ પોંચા, જોશુઆ ચીનપ્પા, સિદ્ધાર્થ સચદે તથા હરીન્દરપાલ સન્ધુ ભારતના જાણીતા સ્ક્વૉશ-રમતવીરો છે. પાકિસ્તાનના સ્ક્વૉશ-રમતવીર જહાંગીરખાનનું નામ પણ ખૂબ જાણીતું છે. ત્યારબાદ પાકિસ્તાનના જ જનશેરખાને વિશ્વમાં સ્ક્વૉશ રમતમાં નામના મેળવી છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦
