જ. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ અ. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૪

વિદ્વાન અર્થશાસ્ત્રી, ભારતના પૂર્વનાણામંત્રી, પૂર્વવડાપ્રધાન અને આર્થિક ઉદારીકરણની નીતિના પ્રખર પુરસ્કર્તા મનમોહન સિંહનો જન્મ ગાહ, પંજાબ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. ૧૯૪૭માં દેશનું વિભાજન થયું ત્યારે તેમનો પરિવાર ભારતમાં આવ્યો. અમૃતસરની હિન્દુ કૉલેજમાં અભ્યાસ કર્યો. તેમણે ૧૯૫૭માં કેમ્બ્રિજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારબાદ ૧૯૬૨માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી. ભારત પાછા આવીને પંજાબ યુનિવર્સિટીમાં સિનિયર લેક્ચરર, ત્યારબાદ રીડર અને પ્રોફેસર તરીકે કામ કર્યું. તે પછી ૧૯૬૬થી ૧૯૬૯ દરમિયાન યુનાઇટેડ નૅશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટમાં અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તેમને વિદેશી વેપાર મંત્રાલયના મુખ્ય સલાહકાર તરીકે નીમવામાં આવ્યા. તેઓ નાણામંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર અને ત્યારબાદ સચિવ બન્યા. ૧૯૮૨માં તેમને ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જૂન, ૧૯૯૧માં તત્કાલીન વડાપ્રધાન નરિંસહરાવે તેમને નાણાપ્રધાન બનાવ્યા. તેમણે ભારતના સમાજવાદી અર્થતંત્રને મૂડીવાદી અર્થતંત્રમાં બદલવા માટે ઘણી નીતિઓ અમલમાં મૂકી. તેમણે જાહેર ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કર્યું. બહુરાષ્ટ્રીય એકમોને ભારતમાં આવકારવાની નીતિ અપનાવી દેશને નવો વળાંક આપ્યો. ૨૨ મે, ૨૦૦૪ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. તેમણે મહાત્મા ગાંધી નૅશનલ રુલર એમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA), રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NHRM) અને શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) રજૂ કર્યા હતા. તેમણે ભારતની વધતી જતી ઊર્જાની માંગને પહોંચી વળવા ૨૦૦૬માં અમેરિકન પ્રમુખ જ્યૉર્જ બુશ સાથે પરમાણુ સહયોગ સંધિ માટે વાટાઘાટો કરી હતી. ૨૦૦૯માં તેઓએ બીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
દેશ-વિદેશની અનેક સંસ્થાઓએ તેમને અનેક પદવીઓ તથા પુરસ્કારોથી સન્માન્યા હતા. ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી તેમને સન્માનવામાં આવ્યા હતા.
શુભ્રા દેસાઈ
