લતા મંગેશકર


જ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૨

ભારતીય ગાયિકા. ‘સ્વરકિન્નરી’, ‘ભારતનો અવાજ’, ‘ભારતની કોકિલા’ જેવાં ઉપનામોથી જાણીતાં વિશ્વવિખ્યાત ગાયિકા લતા મંગેશકરનો જન્મ ઇંદોરમાં શાસ્ત્રીય સંગીતકાર દીનાનાથ મંગેશકરને ત્યાં થયો હતો. માતા શેવંતિ મંગેશકર ગુજરાતી હોવાને કારણે મરાઠી સંગીત સાહિત્ય સાથે, ગુજરાતી લોકસંગીત-સાહિત્ય સાથે પણ એમનો એક અલગ નાતો રહ્યો. સહજ ગાયનક્ષમતા બાબતે માતાએ લતાદીદીના પિતાનું ધ્યાન દોર્યું અને પાંચ વર્ષની વયે પિતા પાસે એમની શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ થઈ. પિતા ગાયન સાથે નાટક કંપનીનું સંચાલન કરતા હોવાથી શરૂઆતનાં વર્ષોમાં લતાદીદીએ અભિનય પણ કર્યો, પરંતુ અભિનય એમને રુચિકર ન લાગતાં અભિનયને તિલાંજલિ આપી. ૧૩ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માસ્ટર વિનાયકની કંપની સાથે અર્થોપાર્જનને માટે તેઓ પોતાના કુટુંબ સાથે ૧૯૪૫માં મુંબઈમાં સ્થાયી થયાં. ઉસ્તાદ અમાન અલી ખાંસાહેબ પાસે ફરીથી શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી. ૧૯૪૬માં ફિલ્મ ‘આપકી સેવામેં’ માટે પ્રથમ હિન્દી ગીત ‘પા લાગું કરજોરી’ માત્ર સોળ વર્ષની ઉંમરે ગાયું. ત્યાર બાદ હિન્દી સિનેજગતના તમામ સંગીતનિર્દેશકના નિર્દેશનમાં ૫૦,૦૦૦થી પણ વધુ ગીતો એમણે ગાયાં અને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ અંકિત કર્યું. ૨૦૦૭માં ૭૮ વર્ષની વયે ‘દિલ તો પાગલ હૈ’માં પાર્શ્વગાયન કર્યું જે ખૂબ લોકપ્રિય બન્યું. ૨૦૨૨માં ભારતીય સેના તથા રાષ્ટ્રને સમર્પિત ‘સોગંદ મુઝે ઇસ મિટ્ટીકી’ સંગીતનિર્દેશક મયુરેશ પાઇના સંગીતનિર્દેશનમાં ગાયું. તેઓ અનેકાનેક ઍવૉર્ડ્ઝથી સન્માનિત થયાં જેમાં અનેક ફિલ્મફેર, વિવિધ રાજ્યો, સંસ્થાઓની સાથે લાઇફટાઇમ એચીવમેન્ટ, દાદાસાહેબ ફાળકે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ તથા સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માનિત થયાં. ૩૬ ભાષાઓમાં વિવિધ ગીતો ગાનાર લતા મંગેશકર ભાષાના શબ્દોના અર્થ તથા ઉચ્ચાર બાબતે વિશિષ્ટ ધ્યાન આપવાની સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમને અનિવાર્ય ગણતાં. અનેક સામાજિક સેવાઓ તથા ભારતીય સેના માટે ઋણસ્વીકાર અને આર્થિક સેવા એમના જીવનનો એક ભાગ રહ્યો. ફોટોગ્રાફી એ લતાદીદીનો વ્યક્તિગત શોખ રહ્યો. ફિલ્મ સંગીત સાથે ભજનો, ગઝલો, ગરબા, મરાઠી સંગીત એમના કંઠમાં અમરત્વ પામ્યાં છે.