ડિટ્રૉઇટ


યુ.એસ.ના મિશિગન રાજ્યનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : ૪૨° ૨૦´ ઉ. અ. અને ૮૩° ૦૩´ પ. રે.. રાજ્યની દક્ષિણ-પૂર્વ દિશામાં તે ડિટ્રૉઇટ નદીના પશ્ચિમ કાંઠા પર વસેલું છે. આ મહાનગરની વસ્તી ૪૪,૦૦,૫૦૦ (૨૦૨૪, આશરે) છે. નગરનો ભૌગોલિક વિસ્તાર ૧૩૩૭ ચોકિમી. જેટલો છે. તેનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં ૩° સે. તથા જુલાઈ માસમાં ૨૩° સે. હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૭૯૦ મિમી. પડે છે. યુ.એસ. અને કૅનેડાની સરહદે આવેલાં પાંચ સરોવરોમાં મિશિગન સરોવર મહત્ત્વનું છે. તેના પરથી આ રાજ્યને મિશિગન નામ આપવામાં આવ્યું છે. આ શહેર મોટર-કારના પાટનગર તરીકે વિશ્વવિખ્યાત છે. યુ.એસ.માં બનતી કુલ મોટર-કારમાંથી અર્ધાથી પણ અધિક મોટર-કારો અહીં તૈયાર થાય છે. વિશ્વમાં સૌથી મોટું અને જાણીતું ફૉર્ડ કંપનીનું વિશાળ કારખાનું અહીં આવેલું છે. આ ઉપરાંત મોટર-કાર ઉત્પન્ન કરતી અનેક કંપનીઓમાં ફિલન્ટ, લાન્સિંગ, ગ્રાન્ડ રેપિડ્સ અને પોન્ટિઆકનો સમાવેશ કરી શકાય. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતાં યંત્રો, રસાયણો, મશીન ટૂલ્સ તથા લોખંડ અને પોલાદની વસ્તુઓનું અહીં ઉત્પાદન થાય છે. અમેરિકાની મોટામાં મોટી મીઠાની ખાણો તેના આસપાસના પ્રદેશમાં આવેલી છે.

ડિટ્રૉઇટ શહેરનું એક દૃશ્ય

આ નગર રાજ્યનું મોટામાં મોટું બંદર છે.  આંતરિક જળ વાહનવ્યવહારની બાબતમાં ડિટ્રૉઇટ નદીનું સ્થાન વિશ્વમાં મોખરે છે. ૧૯૫૯માં સેન્ટ લૉરેન્સ જળમાર્ગ કાર્યરત થતાં આ નગરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદરનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ઈરી સરોવરના કિનારે આવેલા આ શહેરને જળમાર્ગે લોખંડ-પોલાદની પ્રાપ્તિ સરળતાથી થાય છે. શહેરની ઉત્તરે સેન્ટ ક્લૅર નદી તથા દક્ષિણે વિશાળ કાંપનું મેદાન તૈયાર કરતી રાયસીન નદી વહે છે. મોટર-કાર ઉપરાંત તૈયાર કપડાં અને વિશેષત: શર્ટના ઉત્પાદન માટે યુ.એસ. અને વિશ્વમાં આ શહેર જાણીતું છે. સરોવરકિનારે તેની રમણીયતા અને સુંદરતાને કારણે આ ઔદ્યોગિક શહેર પર્યટક શહેર તરીકે પંકાય છે. નગરમાં વેને રાજ્ય યુનિવર્સિટી (૧૮૬૮), યુનિવર્સિટી ઑવ્ ડિટ્રૉઇટ (૧૮૭૭) તથા ડિટ્રૉઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી (૧૮૯૧) છે. તે ઉપરાંત ડિટ્રૉઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સ, ઐતિહાસિક સંગ્રહાલય તથા કૅનબ્રૂક અકાદમી ઑવ્ આર્ટ પણ ત્યાં આવેલાં છે. આ વિસ્તારમાં શ્વેત લોકો દાખલ થયા તે પહેલાં વ્યાનડોટ જનજાતિના લોકો અહીં વસતા હતા. ૧૭૦૧માં ફ્રેન્ચોએ ડિટ્રૉઇટ નદીના  ઉત્તર કિનારા પર દુર્ગ બાંધ્યો. ૧૭૬૦માં આ દુર્ગ પર બ્રિટિશ સૈનિકોએ કબજો કર્યો. ૧૭૯૬માં તેમણે તે કિલ્લો અમેરિકાને સોંપ્યો. ૧૮૨૫માં ઈરી નહેર ખુલ્લી મુકાતાં ત્યાંની વસ્તીમાં ધરખમ  વધારો થયો. ૧૮૩૭–૪૭ દરમિયાન આ શહેર મિશિગન રાજ્યનું પાટનગર હતું. અમેરિકાના આંતરવિગ્રહ (૧૮૬૧–૬૫) પછી નગરના ઔદ્યોગિક વિકાસની ઝડપમાં  વધારો થયો. પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪–૧૮) તથા બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯–૪૫) દરમિયાન આ નગરમાં લશ્કર માટેનાં સાધનો બનાવતાં કારખાનાં વિકસ્યાં. વીસમી સદીના આઠમા દશકમાં અમેરિકામાં ચાલતી મંદીની વિપરીત અસર આ નગરના ઔદ્યોગિક ઉત્પાદન પર પણ થઈ, પરંતુ સદીના નવમા દશકમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ધીમે ધીમે ઉછાળો આવતો ગયો.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮