જ. ૨૯ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૪ મે, ૨૦૦૫

‘મુનવ્વર’ તખલ્લુસ ધરાવનાર મનહરલાલનો જન્મ સૂરતમાં નગીનદાસ ચોકસીને ત્યાં થયો હતો. તેમનું વતન અને નિવાસ બંને સૂરત. ૧૯૪૭માં મૅટ્રિક થયા. તેમણે હિંદી ‘વિનીત’ પરીક્ષા પણ પાસ કરી હતી. ડિપ્લોમા વિથ બૅન્કિંગ કર્યા બાદ ધ સૂરત ડિસ્ટ્રિક્ટ કો-ઑ. બૅન્ક લિ., સૂરતમાં તેમણે નોકરી કરેલી. સૂરતના ‘ગુજરાત મિત્ર’માં ‘શાયરીની શમા’ નામે કૉલમ તેમણે ચલાવી જેમાં અનેક ગુજરાતી, ઉર્દૂ શાયરીઓનો આસ્વાદ મન મૂકીને કરાવ્યો હતો. એમણે ગઝલો અને મુક્તકોથી ડાયરીઓ ભરી હતી. તેમની પાસેથી ‘પ્રીતનાં પારેવડાં’ (૧૯૬૩), ‘ઝળહળ અંતરજ્યોત’, ‘હૂંફ’ વગેરે નવલકથાઓ તથા ‘ગંગાસ્નાન’ એ વાર્તાસંગ્રહ મળ્યાં છે, પણ એમનું મુખ્ય સર્જન ગઝલમાં રહ્યું છે. ‘મુનવ્વર’ ઉપનામથી તેઓ ઉર્દૂ શાયરી પણ કરતા. વીસમી સદીના મધ્યભાગમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો ત્યારે ગઝલો ખૂબ લખાતી ગઈ. આ દરમિયાન કેટલાક પરંપરામાં લખતા ગઝલકારો પણ મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા હતા તેમાં સૂરતના આ ગઝલકાર મનહરલાલનું પ્રદાન નોંધપાત્ર હતું. ‘ગુજરાતી ગઝલ’ (૧૯૬૪) અને ‘અક્ષર’ (૧૯૭૩) તેમના મહત્ત્વના સંગ્રહો છે. તેમણે ગુજરાતી અને ઉર્દૂ એમ બંને ભાષામાં ગઝલસાધના કરી હતી. આધુનિક કાવ્ય વિભાવનાની અસરથી ગઝલ પણ રંગાવા લાગેલી. મનહરલાલ પરંપરા સાચવીને પણ નવા માહોલમાં ગોઠવાતા ગયા. સૂરતમાં ગની દહીંવાળા, ભગવતીકુમાર શર્મા, રતિલાલ ‘અનિલ’, જયંત પાઠક, અમીન આઝાદ જેવા સર્જકોની વચ્ચે રહીને મનહરલાલે ગઝલની જ્યોત જલતી રાખી હતી. એમણે પરંપરા નિભાવવા સાથે બદલાતી સ્થિતિ સાથે પણ કદમ મેળવી રાખ્યા હતા. મનહરલાલને કશાની આશા-અપેક્ષા ન હતી. એમને કોઈ ચંદ્રક મળ્યો નથી, પણ એમને નામે ચંદ્રક અપાય છે.
શ્રદ્ધા ત્રિવેદી
