જીવનની ધન્ય ક્ષણનું સ્મરણ કરીએ ત્યારે ચિત્ત પર એકાએક સાંપડેલી સિદ્ધિએ આપેલો આનંદ તરી આવશે. કલ્પનાતીત રીતે એકાએક સાંપડેલી સંપત્તિની પ્રાપ્તિનું સ્મરણ ચિત્તમાં ઊછળી આવશે. જે વસ્તુની પ્રાપ્તિ માટે રાત-દિવસ ઝંખના સેવી હોય તે સાંપડતાં એ સમયે આવેલા અંતરના ઊભરાનું સ્મરણ થશે. પ્રિય વ્યક્તિ પામવાના પુરુષાર્થની સફળતાનો ઉમળકો મીઠી લિજ્જત આપશે, પરંતુ સંપત્તિ, સિદ્ધિ કે પ્રિય વ્યક્તિની પ્રાપ્તિનો આનંદ એ એક ક્ષણે ઊછળતા મહાસાગર જેવો જરૂર લાગ્યો હશે, પણ એ આનંદસાગરમાંય દુ:ખની થોડી ખારાશ તો રહેલી જ હતી. એ સિદ્ધિઓની પડખે મર્યાદા હસતી હતી અને અપાર આનંદના પડખે ઊંડી વેદના પડેલી હતી. જીવનની કઈ ક્ષણોએ નિર્ભેળ આનંદ આપ્યો એની ખોજ કરીએ તો એ એવી ક્ષણો કે જ્યારે માનવીએ પોતાને માટે નહીં, પણ બીજાને માટે કશુંક કર્યું હોય. પોતાના જીવનની સ્વકેન્દ્રી ક્ષણોના સ્મરણમાં સમય જતાં પાનખર આવે છે, પણ પરમાર્થની ક્ષણોની લીલીછમ વસંત તો જીવનભર છવાયેલી રહે છે. પોતાની જાતના સુખ માટે ગાળેલો સમય એ સમય સમાપ્ત થતાં જ સુખની સમાપ્તિમાં પરિણમે છે. પોતાના સુખ માટે કરેલો પરિશ્રમ એ જરૂર ઉત્સાહવર્ધક હોય છે, પણ સદૈવ આનંદદાયક હોતો નથી. વ્યક્તિ જ્યારે બીજાને આપે છે ત્યારે એ સ્વયં પામતી હોય છે. માણસ પોતે પોતાના સુખનો વિચાર કરે તે પોતાના દેહ, મન કે પરિવાર સુધી સીમિત રહેતો હોય છે. બીજાના સુખનો વિચાર કરે તો તે એના આત્મામાં આનંદની અનુભૂતિ જગાવે છે. સ્વાર્થથી કદી સંતોષ સાંપડતો નથી. પરમાર્થ સદા સંતોષ આપે છે. જેમણે જીવનમાં પરમાર્થ સેવ્યો છે એમને સદાય જીવનનો સંતોષ પ્રાપ્ત થયો છે. કોઈ સેવાભાવીને જોશો ત્યારે ક્યારેક એમના ચહેરા પર ઉકળાટ, અસંતોષ કે અજંપો જોવા નહીં મળે. એમના મુખની રેખાઓમાંથી સંતોષનો ઉત્સાહ ફૂટતો હશે.
કુમારપાળ દેસાઈ
