રંગા રાવ દિવાકર


જ. ૩૦ સપ્ટેમ્બર, ૧૮૯૪ અ. ૧૬ જાન્યુઆરી, ૧૯૯૦

સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક દિવાકર રંગા રાવનો જન્મ મડીહાલ કર્ણાટકમાં એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ખડતલ યુવાન દિવાકરે પોતાના વ્યાયામશિક્ષક પાસેથી મલ્લકુસ્તી અને કટારયુદ્ધની તાલીમ હાંસલ કરી હતી. તેમણે બેલગામ, પુણે અને મુંબઈમાં અભ્યાસ કર્યો. અંગ્રેજી સાહિત્ય અને ભાષામાં તેઓએ એમ.એ.ની ઉપાધિ મેળવી. ૧૯૧૯માં કાયદાની પરીક્ષા આપી, પરંતુ કાયદાની ઉપાધિ ન સ્વીકારતાં, અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા, પણ કૉંગ્રેસના નાગપુર અધિવેશન વખતે તેમણે પ્રાધ્યાપક તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે કાર્લાઇલ, ઇમર્સન, વર્ડ્ઝવર્થ, રસ્કિન વગેરે લેખકોનાં લખાણ વાંચ્યાં હતાં. તેમણે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય તથા કર્ણાટકના ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. રાષ્ટ્રવાદી આંદોલનના એક સાધન તરીકે તેમણે ‘કર્મવીર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. તેઓ પોતાના અખબારમાં ‘સ્વતંત્ર ભારત’ અને એકતંત્ર કર્ણાટક પર લખતા હતા. તેમણે સિરસી, સિદ્ધાપુર, અંકોલા અને હિરેકુરુર તાલુકાઓમાં ના-કરની લડતની આગેવાની લીધી તથા મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો. તેમના રાજકીય વિચારો પર ઉપનિષદો અને ભગવદગીતાની પ્રગાઢ અસર હતી. આઝાદી પ્રાપ્ત થતાં તેમણે પોતાની જાહેર કારકિર્દીને બે પાસાંઓમાં વહેંચી નાંખી. પ્રથમ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની સેવાઓના સારતત્ત્વ રૂપે ગાંધીચિંતનને પ્રચારવાનું – પ્રસારવાનું કાર્ય હાથ ધર્યું તો બીજી બાજુએ બધા કન્નડભાષી લોકોને એક કરીને કર્ણાટકને એકીકૃત કરવાનું કાર્ય કર્યું. તેમનાં લખાણો ઇતિહાસ, ધર્મ અને ચિંતન તથા સાહિત્ય – એમ ત્રણ વિભાગોમાં જોવા મળે છે. તેમના  પુસ્તક ‘સત્યાગ્રહ : તેનો ઇતિહાસ અને ટૅકનિક’નો યુરોપના દેશોની ભાષામાં અનુવાદ થયો છે. તેમણે અનેક સંસ્થાઓનાં સભ્યપદ શોભાવ્યાં છે. તે ઉપરાંત તેઓ કેન્દ્રીય મંત્રી (૧૯૪૮-૫૨), બિહારના ગવર્નર (૧૯૫૨-૫૭) તથા રાજ્યસભાના સભ્ય (૧૯૬૨-૬૮) પણ રહી ચૂક્યા છે.