સ્ટૉકહોમ


સ્વીડનનું મોટામાં મોટું શહેર અને પાટનગર. તે ૫૯° ૨૦´ ઉ. અ. અને ૧૮° ૦૩´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર ૧૨૫૦ના દાયકામાં તત્કાલીન સ્વીડિશ નેતા બર્ગર જાર્લે વસાવેલું હોવાનું કહેવાય છે. સ્ટૉકહોમ માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું મુખ્ય વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેનો વિસ્તાર ૬,૫૧૯ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૨૪,૧૫,૦૦૦ (૨૦૨૩, આશરે) જેટલી છે. ૧૬૩૪માં તે સ્વીડનનું પાટનગર બન્યું. સ્ટૉકહોમનું શહેરી આયોજન ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું છે. તેની ગણના દુનિયાનાં અતિ સુંદર શહેરોમાં થાય છે. તે આશરે ૫૦ પુલોથી સંકળાયેલા ૧૪ જેટલા ટાપુઓ પર વસેલું છે. ગીચ વનરાજીથી આચ્છાદિત ટેકરીઓ વચ્ચેના રમણીય કુદરતી સ્થળદૃશ્યો તેની ભવ્યતામાં ઉમેરો કરે છે. સ્ટૉકહોમની પૂર્વ તરફ આવેલા સમુદ્રમાં નાના-મોટા કદના હજારો ટાપુઓ દ્વીપસમૂહ રચે છે. આ ટાપુઓમાં નાની નાની વસાહતો તેમ જ નાના કદની કુટિરો જોવા મળે છે. આ ટાપુઓ પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર બની રહેલા છે. સ્ટૉકહોમનું મધ્યસ્થ સ્થળ તેનું પુરાણું નગર છે. તે ‘ગમલાસ્તાન’ તરીકે ઓળખાય છે. અહીં અઢારમી સદીનો વિશાળ શાહી મહેલ આવેલો છે. આ મહેલ જે ટાપુ પર છે, તે જ ટાપુ પર સ્વીડનનું સંસદભવન પણ આવેલું છે. ગમલાસ્તાનની ઉત્તરે આધુનિક ધંધાદારી મથકો તથા મુખ્ય બજાર આવેલાં છે. સ્ટૉકહોમ સ્વીડનનું મહત્ત્વનું બંદર પણ છે.

સ્ટૉકહોમ શહેર

શહેરમાં પ્રકાશન, રસાયણો, કપડાં, યંત્રસામગ્રી, ધાતુપેદાશો અને રબર-પેદાશોના એકમો આવેલા છે. શહેરના મોટા ભાગના લોકો કેન્દ્રસરકારની, રાજ્યકક્ષાની કે ખાનગી નોકરીઓ કરે છે. અન્ય કેટલાક લોકો વેપાર તથા ઉત્પાદનપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સ્ટૉકહોમ ભૂગર્ભીય રેલમાર્ગની સુવિધા ધરાવે છે. તે સડકમાર્ગે, રેલમાર્ગે તથા હવાઈ માર્ગે અન્ય શહેરો સાથે જોડાયેલું છે. આ શહેરમાં સ્ટૉકહોમ યુનિવર્સિટી, પુસ્તકાલય, શાહી નૃત્યશાળા, ઑપેરા અને થિયેટર આવેલાં છે. આ ઉપરાંત અહીં ઘણી કલાદીર્ઘાઓ (art gallaries) અને સંગ્રહાલયો પણ છે. વળી મનોરંજન માટે લોકપ્રિય સ્કાનસેન નામનો ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય અને ઓપન ઍર સંગ્રહાલય પણ આવેલાં છે. વીસમી સદીના મધ્યકાળથી સ્ટૉકહોમના જૂના આવાસોને પાડી નાખી નવા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તેની રમણીયતાને પણ જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦