એસ. ડી. બર્મન


જ. ૧ ઑક્ટોબર, ૧૯૦૬ અ. ૩૧ ઑક્ટોબર, ૧૯૭૫

ભારતીય ફિલ્મોના સંગીતનિર્દેશક, ગાયક. સચિવ દેવ બર્મનનો જન્મ ત્રિપુરાના રાજઘરાનામાં નવદ્વીપ દેવ બર્મન તથા નિર્મલાદેવી બર્મનને ત્યાં થયો હતો. અભ્યાસમાં ખૂબ તેજસ્વી એવા બર્મનદાએ અંગ્રેજી વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. સંગીતના શોખ અને તકોને કારણે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ ન કરતાં, અભ્યાસને તિલાંજલિ આપીને સંગીતક્ષેત્રે પ્રયાણ કર્યું. સંગીતકાર કે. સી. ડે પાસે એમણે કંઠ્ય સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. ઉસ્તાદ અલાઉદ્દીન ખાં પાસે સરોદ તથા ખલીફા બાદલ ખાં પાસે સારંગીની તાલીમ મેળવી હતી. તબલાવાદનમાં પણ તેઓ નિપુણ હતા. ૧૯૩૫માં બંગાળી ફિલ્મ ‘સુરુ દેરે પ્રિયે’માં સંગીતનિર્દેશન કર્યું. ત્યાં સુધી તેઓ કલકત્તા આકાશવાણીના નિયમિત ગાયક હતા. બંગાળી ભક્તિસંગીત ‘બાઉલ’ ગાયન એમની એક આગવી વિશેષતા હતી. તેનો અદભુત ઉપયોગ એમણે અનેક ફિલ્મગીતોના નિર્દેશનમાં કર્યો. ૧૯૪૬માં હિન્દી ફિલ્મ ‘શિકારી’માં એમના નિર્દેશનમાં બનેલાં ગીતો અતિ લોકપ્રિય બન્યાં અને એક અનોખા સંગીતકાર તરીકે એમની ઓળખ ઊભી થઈ. ‘જાલ’, ‘પ્યાસા’, ‘આરાધના’, ‘મેરી સૂરત તેરી આંખે’, ‘સુજાતા’, ‘ગાઇડ’, ‘અભિમાન’ જેવી અનેક ફિલ્મોમાં સંગીત આપીને તેઓ એક ગુણવત્તાસભર સંગીતકારની હરોળમાં સ્થાન પામ્યા. એમના ગાયેલા ‘સૂનો મેરે બંધૂ રે’, ‘સફલ હોગી તેરી આરાધના’, ‘ઝીંદગી ઐ ઝીંદગી’ જેવાં અનેક હૃયસ્પર્શી ગીતો સંગીતપ્રેમીઓ માટે ઈશ્વરના પ્રસાદરૂપ ગણાય છે. શ્રેષ્ઠ સંગીતનિર્દેશક માટે ફિલ્મફેર ઍવૉર્ડ, રાષ્ટ્રીય પુરસ્કારો, સંગીત નાટક અકાદમી જેવા અનેક પુરસ્કારોથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા.