લાલબહાદુર શાસ્ત્રી


જ. ૨ ઑક્ટોબર, ૧૯૦૪ અ. ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬

ભારત દેશના ત્રીજી લોકસભાના ૧૯૬૪થી ૧૯૬૬ સુધીના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનો ઉછેર મુગલસરાય, ઉત્તરપ્રદેશ ખાતે લાલબહાદુર શ્રીવાસ્તવના નામે થયો હતો. એમના પિતા શારદાપ્રસાદ એક ગરીબ શિક્ષક હતા. જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા. એમનું શિક્ષણ હરિશ્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહીંયાંથી જ એમને ‘શાસ્ત્રી તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. સ્નાતક થયા બાદ શાસ્ત્રીજી ભારત સેવક સંઘ સાથે જોડાયા. ત્યાંથી જ તેમના રાજનૈતિક જીવનની શરૂઆત થઈ હતી. દેશસેવાના વ્રતધારી શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી જીવ્યા અને ગરીબોની સેવામાં એમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ૧૯૪૧ના સત્યાગ્રહ આંદોલનમાં એમની મહત્ત્વપૂર્ણ ભાગીદારી હતી અને તેઓને જેલમાં પણ રહેવું પડ્યું હતું. આઝાદી મળ્યા બાદ શાસ્ત્રીજીને ઉત્તરપ્રદેશ રાજ્યના સંસદીય સચિવપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમને પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. પરિવહન મંત્રી તરીકે એમણે પ્રથમ વાર મહિલાને બસ-કંડક્ટર તરીકેના પદ પર નિયુક્ત કરી એક નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી તરીકે એમણે ભીડને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં લાલબહાદુર શાસ્ત્રીને અખિલ ભારત કૉંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ની ચૂંટણીઓમાં કૉંગ્રેસ પક્ષને ભારે બહુમતીથી જિતાડવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો હતો. જવાહરલાલ નહેરુના અવસાન બાદ શાસ્ત્રીજીએ ૨૭ મે, ૧૯૬૪ના રોજ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો. શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે સમગ્ર ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. ૧૯૬૬માં તેમને ‘ભારતરત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.