દશરીબહેન ચૌધરી


જ. ૩ ઑક્ટોબર, ૧૯૧૮ અ. ૨ ઑક્ટોબર, ૨૦૧૩

ભારતીય સ્વાતંત્ર્યસેનાની દશરીબહેનનો જન્મ વેડછી, સૂરતમાં આદિવાસી કુટુંબમાં થયો હતો. માતાનું નામ અંબાબહેન અને પિતાનું નામ રૂમસીભાઈ. રાષ્ટ્રવાદ અને રચનાત્મક પ્રવૃત્તિઓના પાઠ તેઓ તેમના દાદા જીવણભાઈ ચૌધરી પાસેથી શીખ્યાં હતાં. દશરીબહેને પ્રાથમિક શિક્ષણ વેડછી આશ્રમમાં લીધું હતું. ગાંધીજી સાથેના સીધા સંપર્કને લીધે તેમણે ઘરેણાં નહિ પહેરવાનું વ્રત લીધું હતું. દશ વર્ષનાં દશરીબહેન બારડોલી સત્યાગ્રહ વખતે સભા, સરઘસ, પિકેટિંગ વગેરે કાર્યક્રમોમાં ઉત્સાહથી જોડાયાં હતાં. સંગીત પ્રત્યેના ઝુકાવને લીધે પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે એ સંગીત શીખેલાં. દિલરુબા વગાડવામાં પારંગત થયેલાં. બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર પટેલના કહેવાથી આઝાદીનાં ગીતો ગાઈ જનજાગૃતિનું કાર્ય કર્યું હતું. સ્વતંત્રતાસંગ્રામમાં દશરીબહેને ગાયેલું ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે’ ખૂબ લોકપ્રિય થયેલું. સવિનય કાનૂનભંગની લડતના બીજા તબક્કામાં દશરીબહેન સક્રિય કાર્યકર રહ્યાં હતાં. ૧૯૩૩માં માત્ર ૧૫ વર્ષની  ઉંમરે જેલની સજા પણ ભોગવી હતી. તેમને પહેલાં સાબરમતી જેલ અને પછી પુણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં હતાં. કસ્તૂરબા ગાંધી પણ ત્યારે યરવડા જેલમાં હતાં. કસ્તૂરબાના કહેવાથી દશરીબહેને કસ્તૂરબાને લખતાંવાંચતાં શીખવ્યું. બાએ બાપુને પત્ર લખ્યો ત્યારે બાપુએ લખેલું કે ‘આ છોકરીને કહેજો કે જે હું ન કરી શક્યો તે તું કરી શકી છે.’ જેલમાંથી મુક્ત થયા પછી પણ તેમણે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં બારડોલી મુકામે તેઓ સરઘસમાં જોડાયાં હતાં. એમાં તેમની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. તેમણે દક્ષિણ ગુજરાતની આદિવાસી પ્રજા માટે કન્યાશિક્ષણ અને પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. આદિવાસી પ્રજામાં વ્યસન, અંધશ્રદ્ધા તથા કુરિવાજો દૂર કરવા માટે તેમણે વ્યાપક ઝુંબેશ ચલાવેલી.