રામચન્દ્ર શુક્લ


જ. ૪ ઑક્ટોબર, ૧૮૮૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૪૧

હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્ય-ઇતિહાસલેખક, વિવેચક, કવિ, અનુવાદક અને અધ્યાપક રામચન્દ્ર શુક્લનો જન્મ ઉત્તરપ્રદેશના અગોના ગામમાં થયો હતો. તેઓ નવ વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું. એમણે પ્રાથમિક શિક્ષણ રાઠમાં મેળવ્યું. ૧૯૦૧માં મિર્ઝાપુરની લંડન મિશન સ્કૂલમાંથી હાઈસ્કૂલની ફાઇનલ પરીક્ષા FA પાસ કરી. પિતાની ઇચ્છા હતી કે તેઓ કચેરીમાં જઈ દફતરી કામ શીખે. એટલે તેમને કાયદાના અભ્યાસ માટે અલાહાબાદ મોકલ્યા. તેમને વકીલાતમાં રુચિ ન હતી, આથી નાપાસ થયા. તેમણે સ્વઅભ્યાસથી સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, હિન્દી, ફારસી અને ઉર્દૂનું જ્ઞાન મેળવ્યું. તેઓ ૧૯૦૩થી ૧૯૦૮ સુધી ‘આનંદ કાદમ્બિની’ના સંપાદક રહ્યા. ૧૯૦૪થી ૧૯૦૮ સુધી લંડન મિશન સ્કૂલમાં કલાશિક્ષક બન્યા. ૧૯૦૮માં ‘કાશી નાગરી પ્રચારિણી સભા’માં ‘હિન્દી શબ્દસાગર’ના સહાયક સંપાદક બન્યા. ૧૯૧૯માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રાધ્યાપક થયા અને ૧૯૩૭થી ૧૯૪૧ સુધી હિન્દી વિભાગના અધ્યક્ષ રહ્યા. એમનો સર્વપ્રથમ નિબંધ ‘કવિતા ક્યા હૈ ?’ ૧૯૦૯માં ‘સરસ્વતી’ સામયિકમાં પ્રગટ થયો. તેઓ નિબંધક્ષેત્રે એમના યુગના શ્રેષ્ઠ લેખક હતા આથી એમના સમકાલીન યુગને ‘શુક્લયુગ’ કહેવામાં આવે છે. તેમણે વિવેચનમાં વ્યવસ્થિત માનદંડ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમની ભાષા સંસ્કૃત નિષ્ઠ, શુદ્ધ અને ખડી બોલી છે. તેમણે ‘કાવ્ય મેં રહસ્યવાદ’, ‘કાવ્ય મેં અભિવ્યંજનાવાદ’, ‘ચિંતામણિ’ (ભાગ ૧-૨), ‘અધ્યયન, ‘હિન્દી સાહિત્ય કા ઇતિહાસ’, ‘વિચારવીથી’, ‘બુદ્ધચરિત’, ‘અભિમન્યુ-વધ’, ‘ગ્યારહ વર્ષ કા સમય’ જેવા ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત તેમણે બંગાળી અને અંગ્રેજીમાંથી અનુવાદો આપ્યા છે. મૂર્ધન્ય વિવેચક, ઇતિહાસકાર અને યુગપ્રવર્તક નિબંધકાર તરીકે હિન્દી સાહિત્યમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે.