સ્તૂપ


ભગવાન બુદ્ધ કે તેમના ધર્મોપદેશકોના શરીરના અવશેષ (જેમ કે, વાળ, દાંત, અસ્થિ અને ભસ્માવશેષ) પર રચવામાં આવતું વિશિષ્ટ આકારવાળું સ્થાપત્ય. પાલિ ભાષામાં ‘સ્તૂપ’ને ‘થૂપ’, મ્યાનમારમાં ‘પૅગોડા’ અને  શ્રીલંકામાં ‘દાભગા’ કહેવાય છે. અવશેષને ધાતુપાત્રમાં રાખી તેને પથ્થરના દાબડામાં મૂકી, લેખ સાથે દાટવામાં આવતો. તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું કે પથ્થરનું ચણતર કરવામાં આવતું. સ્તૂપના મુખ્ય ભાગને અંડ કહેવાય છે. અંડના પેટાળમાં ધાતુપાત્રમાં પવિત્ર અવશેષની સાથે વિવિધ રત્નો; સોનું, ચાંદી કે હાથીદાંતનાં નાનાં ‘રત્નપદ્મ’ રાખવામાં આવતાં. ક્યારેક આ પવિત્ર અવશેષો સોનાના પાત્રમાં એ પાત્રને ચાંદીના પાત્રમાં, એ પાત્રને તાંબાના પાત્રમાં અને અંતે તેને પથ્થરના પાત્રમાં મૂકવામાં આવતા. ક્યારેક પથ્થરના દાબડા પર અવશેષોને લગતો કે સ્તૂપના નિર્માણને લગતો લેખ કોતરવામાં આવતો.

શાંતિ સ્તૂપ, લેહ

સ્થાપત્યનો આ અંડ ભાગ ચોરસ પીઠિકા પર રચવામાં આવતો. અંડનું મથાળું કાપીને તેને ઉપરથી સપાટ કરવામાં આવતું. ત્યાં પથ્થરનો કઠેડો બનાવવામાં આવતો. જેને ‘હર્મિકા’ કહેવામાં આવે છે. હર્મિકાની મધ્યમાં છત્રદંડ રોપવામાં આવતો. દંડને મથાળે ત્રણ છત્રો મૂકવામાં આવતાં. તે નીચેથી ઉપર જતાં મોટાં થતાં હોય છે. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા થાય તેવી વ્યવસ્થા કરાય છે. સ્તૂપનું નિર્માણ મોટા ભાગે રાજાઓ કરાવતા. આ માટે બુદ્ધનાં જીવન અને કાર્ય સાથે સંબંધ ધરાવતાં સ્થળોની પસંદગી કરાઈ છે. મધ્યપ્રદેશમાં સાંચી, ઉત્તરપ્રદેશમાં સારનાથ તથા તક્ષશિલાના સ્તૂપ જાણીતા છે. સ્તૂપ ગમે તેટલા જીર્ણ થાય તોપણ તેને કાઢી નખાતા નથી. તેનો જીર્ણોદ્ધાર કરાવાય છે. સ્તૂપની આસપાસ પથ્થરની વેદિકા (રેલિંગ) ચણી અને તેમાં પ્રવેશદ્વારો બનાવાય છે. આ પ્રવેશદ્વારને તોરણ કહે છે. સાંચીનો સ્તૂપ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયામાં પણ સ્તૂપો જોવા મળે છે. જોકે વિવિધ સ્તૂપોના આકારમાં થોડા થોડા ફેરફારો પણ નજરે ચડે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦