દામિનીબહેન મહેતા


જ. ૬ ઑક્ટોબર, ૧૯૩૦ અ. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯

ખ્યાતનામ ગુજરાતી નાટ્ય અભિનેત્રી અને નિર્દેશિકા દામિનીબહેન મહેતાનો જન્મ અમદાવાદ ખાતે ચુસ્ત, ધાર્મિક અને સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. માતા સરસ્વતીબહેન અને પિતા જીવણલાલ મહેતા. પિતાનું અકાળે અવસાન થતાં કુટુંબ કપરી આર્થિક પરિસ્થિતિમાં આવી પડ્યું. તે સમયે ‘જવનિકા’ નાટક કંપની દ્વારા ભજવાતાં નાટકોમાં બાળકલાકારની જરૂર જણાતાં દામિનીબહેનને અનાયાસે અભિનય કરવાની તક મળી. તેમાં ‘રૂપમતી’ નાટકનો તેમનો અભિનય ખૂબ વખણાયો. અભિનય દ્વારા મળતો પુરસ્કાર તેમના કુટુંબની આર્થિક પરિસ્થિતિમાં ટેકારૂપ બન્યો. ‘જવનિકા’ નાટક કંપનીમાં થોડાં વર્ષ કામ કર્યાં બાદ તેને છોડીને ‘નટરંગ’ નામની સંસ્થા સ્થાપી, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહીં. આ પછી તેઓ દર્પણ સ્કૂલ ઑફ પર્ફૉર્મિંગ આર્ટમાં નૃત્યકલાગુરુ મૃણાલિનીબહેન સારાભાઈનું આમંત્રણ મળતાં તેમાં જોડાયાં. દર્પણમાં નાટ્યવિદ કૈલાસ પંડ્યાના સહયોગમાં નાટ્યવિભાગ શરૂ કર્યો. ૪૫ વર્ષ સુધી દર્પણ સંસ્થામાં કાર્યરત રહીને અનેક નાટ્યપ્રયોગો કર્યા. દામિનીબહેને તેમના જીવનકાળ દરમિયાન લગભગ ૧૫૦ જેટલા નાટકોમાં અભિનય કર્યો. તેમનાં કેટલાંક યાદગાર નાટકોમાં ‘પીળું ગુલાબ’, ‘કોઈ પણ ફૂલનું નામ લો’, ‘કાનન’, ‘લીલા’, ‘નવલશાહ હીરજી’, ‘તારામતી’, ‘મસ્તાની’ વગેરેનો સમાવેશ થાય છે. આકાશવાણી, દૂરદર્શન તથા માહિતીખાતાનાં દસ્તાવેજી ચિત્રો બનાવવામાં પણ તેમનો ફાળો હતો. ગુજરાતની અતિ પ્રાચીન કલા ભવાઈના જતન અને સંવર્ધન માટે તેમણે ખાસ યોગદાન આપ્યું છે. તે સમયે ભવાઈની પ્રસ્તુતિમાં પુરુષો જ સ્ત્રીની વેશભૂષા સાથે સ્ત્રીનું પાત્ર ભજવતા, પરંતુ દામિનીબહેને સ્ત્રીપાત્રમાં અભિનય કરવાનો નવીન પ્રયોગ શરૂ કર્યો. તેમણે નાટ્યક્ષેત્રે આપેલ યોગદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યાં છે. જેમાં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર, ‘નવલશા હીરજી’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો પુરસ્કાર, પં. ઓમકારનાથ ઠાકુર સન્માન, ૧૯૯૪-૯૫માં ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર વગેરેનો સમાવેશ થાય છે.

શુભ્રા દેસાઈ