જ. ૭ ઑક્ટોબર, ૧૮૯૧ અ. ૧૫ જુલાઈ, ૧૯૫૭

લેખક, સંપાદક, સમાજસુધારક અને સ્વાતંત્ર્યસેનાની નરહરિ પરીખનો જન્મ અમદાવાદમાં. વતન કઠલાલ. શાળેય શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૦૬માં મૅટ્રિક થયા બાદ ૧૯૧૧માં ગુજરાત કૉલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. ૧૯૧૩માં એલએલ.બી. થયા પછી વકીલાત શરૂ કરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થતાં ૧૯૧૬માં વકીલાત છોડી અને સ્વતંત્રતાના આંદોલનમાં જોડાયા. તેઓ સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળાના શિક્ષક બન્યા. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૩માં બારડોલી પાસેના સરભોણમાં આશ્રમ સ્થાપી વણાટશાળા શરૂ કરી અને દૂબળાઓને ભણાવવાનું શરૂ કર્યું. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૩૦માં ધરાસણા સત્યાગ્રહમાં લાઠીચાર્જથી ઘવાયા અને જેલવાસ થયો. ૧૯૩૪માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક બન્યા. ૧૯૩૭માં રચાયેલ બુનિયાદી શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિમાયા. તેઓ સેવાગ્રામમાં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય બન્યા. ગાંધીજીએ તેમના વસિયતનામામાં નીમેલા બે ટ્રસ્ટીઓ પૈકી એક નરહરિ પરીખ હતા. તેમણે અસ્પૃશ્યતા, દારૂ તેમજ નિરક્ષરતા નાબૂદી માટે કાર્ય કર્યું. તેઓ થોડાં વર્ષો સુધી ગાંધીજીના અંગત સચિવ રહ્યા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ હતા. તેમણે અનેક મૌલિક પુસ્તકો લખ્યાં. સંપાદનો અને અનુવાદ પણ કર્યા છે. ‘મહાદેવભાઈનું પૂર્વચરિત્ર’, ‘સરદાર વલ્લભભાઈ’ (ભાગ-૧, ૨), ‘માનવ અર્થશાસ્ત્ર’, ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ‘નામદાર ગોખલેનાં ભાષણો’, ‘ગોવિંદગમન’, ‘કરંડિયો’, ‘મહાદેવભાઈની ડાયરી’ (ભાગ ૧થી ૭), ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ વગેરે સંપાદનો કર્યાં છે. તેમણે રવીન્દ્રનાથ ટાગોરની ‘ચિત્રાંગદા’, ‘વિદાય અભિશાપ’નો તથા ટૉલ્સ્ટૉયનાં પુસ્તકોનો ‘જાતે મજૂરી કરનારાઓને’ અને ‘ત્યારે કરીશું શું ?’ નામે અનુવાદ કર્યો છે. તેમના ‘કન્યાને પત્રો’નો હિન્દી, મરાઠી અને ઊડિયામાં અનુવાદ થયો છે.
અનિલ રાવલ
