જીવનમાં ખેલાડીને બદલે અમ્પાયર બનવું


જીવન એક ખેલ છે અને પ્રત્યેક વ્યક્તિ એનો ખેલાડી છે. એ વ્યક્તિ ખેલાડી રૂપે સવાર, બપોર અને સાંજ ખેલે જ જાય છે. રાત્રે પણ એ સ્વપ્નના મેદાનમાં રમતો જ હોય છે. રાત-દિવસ આ ખેલ ચાલતો રહે છે. એમાં જીત થાય તો ખેલાડી કૂદી ઊઠે છે, ઝૂમી ઊઠે છે, નાચવા લાગે છે. હાર થાય તો  લમણે હાથ મૂકી હતાશ થઈને બેસી જાય છે. ચોવીસ કલાક માનવી ખેલાડીના સ્વાંગમાં ઘૂમ્યા કરે છે. પ્રાપ્તિ માટે દોડ લગાવે છે. આ મેળવી લઉં કે તે મેળવી લઉં એમ વિચાર કરતો દોડ્યે જ જાય છે. એની સતત દોડ એવી બની જાય છે કે એ પોતે ઊભો રહી શકે છે, તે વાતને જ ભૂલી જાય છે. ભીતરની દુનિયા પર તો એની નજરેય ફરતી નથી. આવી દોડ લગાડનારો માનવી સતત બીજાને જોતો હોય છે, પોતાને નહીં. પોતાની જાતની એ ફિકર કરતો નથી. બીજાને હરાવવા માટે એ સતત કોશિશ કરે છે.  હરીફ પોતાને આંટી જાય નહીં, તે માટે એના પર સતત નજર રાખે છે. એના ડગલાથી પોતે એક-બે ડગલાં નહીં, પણ અનેક ડગલાં આગળ હોય એવા ભાવ સાથે ઊંચા શ્વાસે લાંબી ફાળ ભરતો હોય છે. પોતાના વિજયને બદલે જીવનના મેદાનમાં પ્રતિસ્પર્ધીના પરાજયને માટે દિવસે મહેનત અને રાત્રે ઉજાગરા કરતો હોય છે. આવી વ્યક્તિએ બીજાને જોતી હોય તે રીતે પોતાની જાતને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. ખેલાડીના બદલે એણે અમ્પાયર થવું જોઈએ અને પોતે જ પોતાના ખેલનો નિર્ણય આપવો જોઈએ. એ ખેલાડીમાંથી દર્શક કે નિર્ણાયક થશે એટલે સ્વયં એના જીવનમાં પરિવર્તન આવશે.

કુમારપાળ દેસાઈ