રાજકુમાર


જ. ૮ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૩ જુલાઈ, ૧૯૯૬

ભારતીય હિન્દી સિનેમાજગતના અભિનેતા રાજકુમાર અનોખા અવાજ, અનોખી સંવાદ-રજૂઆત અને અનોખી અદાકારી માટે લોકપ્રિય અભિનેતા હતા. તેમનું મૂળ નામ કુલભૂષણ પંડિત હતું. અભિનયક્ષેત્રે વિશિષ્ટ ઓળખ ઊભી કરવા માટે રાજકુમારના નામ સાથે કારકિર્દી શરૂ કરી. ૧૯૪૦માં શ્રીનગરથી મુંબઈ આવીને સ્થાયી થયા. જ્યાં મુંબઈ પોલીસ વિભાગમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી. દરમિયાન દિગ્દર્શક નજમ નક્વી રાજકુમારના વ્યક્તિત્વથી અભિપ્રેત થયા અને ૧૯૫૨માં ફિલ્મ ‘રંગીલી’માં અભિનય કરાવ્યો. ૧૯૫૭માં મહેબૂબ ખાનની ફિલ્મ ‘મધરઇન્ડિયા’માં અભિનય કર્યો અને પ્રતિભાવંત અભિનેતા તરીકે લોકપ્રિય બન્યા. ત્યારબાદ ‘ઘમંડ’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘વક્ત’, ‘કાજલ’, ‘હીર-રાંઝા’, ‘નીલકમલ’, ‘હમરાઝ’, ‘પાકિઝા’, ‘કર્મયોગી’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરીને એક આગવી ઓળખ ઊભી કરી. ‘જાની’ શબ્દ રાજકુમારના મોટા ભાગના સંવાદોની શરૂઆતનો અપેક્ષિત શબ્દ રહેતો. એક સમયે રાજકુમારના સંવાદો ઉપર સિનેમાઘરોમાં પડદા ઉપર સિક્કાઓનો વરસાદ થતો. કારકિર્દીના પાછલા પડાવમાં પણ ‘સૌદાગર’, ‘તિરંગા’, ‘બેતાજ બાદશાહ’, ‘બુલંદી’ જેવી ફિલ્મોમાં એમનો અભિનય અને પડદા પરની ઉપસ્થિતિ (screen presence) ફિલ્મના મુખ્ય અભિનેતા માટે પડકાર સમી રહેતી. પત્ની ગાયત્રી કુમાર, બે પુત્રો તથા એક પુત્રી તેમનો પરિવાર હતો. ગળાના કૅન્સરની બીમારીમાં મુંબઈ ખાતે એમનું અવસાન થયું. રાજકુમાર દર્શકોની સ્મૃતિમાં સદા અમર અભિનેતા તરીકે અંકિત થયેલા રહેશે.

અલ્પા શાહ