જ. ૧૦ ઑક્ટોબર, ૧૯૪૬ અ. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪

એક પ્રભાવશાળી ભારતીય દિગંબર જૈન આચાર્ય. કન્નડભાષી જૈન પરિવારમાં જન્મ. પિતાનું નામ મલ્લપ્પા હતું. પિતા પછીથી મુનિ મલ્લિસાગર બનેલા. માતાનું નામ શ્રીમતી. સમય જતાં તેઓ આર્યિકા સમયમતિ બન્યાં હતાં. બાળપણનું નામ વિદ્યાધર હતું. ૧૯૬૮માં તેમને ૨૨ વર્ષની ઉંમરે અજમેરમાં આચાર્ય જ્ઞાનસાગરે દિગંબર સાધુ તરીકે દીક્ષા આપી હતી. તેઓ આચાર્ય શાંતિસાગરના વંશના હતા. તેમનાં માતા, પિતા, બહેનોએ પણ દીક્ષા લીધી હતી. તેમના ભાઈઓ પણ તેમના અનુસરણમાં આવ્યા અને તેમને પણ દીક્ષા આપવામાં આવી. આચાર્ય વિદ્યાસાગરે દિગંબર જૈન ધર્મમાં શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પુનરુત્થાનનું કાર્ય કરેલું. તેઓ નાનાં ભાઈ-બહેનોને ધર્મના સિદ્ધાંતો શીખવતા. ૧૯૭૨માં તેમને આચાર્યપદ પ્રાપ્ત થયું. તેઓ વિહાર કરતા હોય ત્યારે સંઘનું નેતૃત્વ કરતા હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મરાઠી અને કન્નડ ભાષાના જાણકાર હતા. તેમના લખેલા ગ્રંથોમાં મુખ્યત્વે ‘નર્મદા કા નરમ કંકર’, ‘ડૂબા મત લગાઓ ડૂબકી’, ‘તોતા રોતા ક્યોં ?’, ‘મૂક માટી’ આદિ કાવ્યરચનાઓ; ‘ગરુવાણી’, ‘પ્રવચન પારિજાત’, ‘પ્રવચન પ્રમેય’ તેમનાં પ્રવચનસંગ્રહનાં પુસ્તકો છે. તેમના શિષ્ય મુનિશ્રી ક્ષમાસાગરજીએ એમની જીવનકથા ‘આત્માન્વેષી’ નામે લખી છે. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ થયો છે. મુનિ પ્રણમ્યાસાગરજીએ તેમના જીવન પર ‘અનાસક્ત મહાયોગી’ નામે કાવ્યની રચના કરી છે. આચાર્ય વિદ્યાસાગરે પ્રતિભાસ્થલી ખાતે જ્ઞાનોદય વિદ્યાપીઠ નામે છોકરીઓ માટે શાળા ખોલી હતી. ૨૦૧૮માં તેમની દીક્ષાને પચાસ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી નિમિત્તે અજમેર, રેવા, શ્રવણબેલગોલા અને અન્ય સ્થળોએ સ્મારક સ્તંભો બનાવવામાં આવ્યા છે. તેઓ અભ્યાસ કરવા માટે સદાય ઉત્સુક રહેતા અને જ્યારે પણ સમય મળે ત્યારે ચિત્રકામ કરતા હતા. તેમને અનાસક્ત યોગી, જ્યેષ્ઠ, શ્રેષ્ઠ, સંત શિરોમણિ કહેવામાં આવે છે
નલિની દેસાઈ
