જ. ૧૨ ઑક્ટોબર, ૧૯૧૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૬૨

અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌંદર્યનિષ્ઠ કવિતાના સર્જક તરીકે પ્રતિષ્ઠિત થયેલા પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ મંગળાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં લીધેલું. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીનો તેમના વ્યક્તિત્વઘડતરમાં નોંધપાત્ર ફાળો હતો. ઈ. સ. ૧૯૩૦ની સ્વાતંત્ર્યચળવળમાં જોડાવા અભ્યાસ છોડ્યો. જેલવાસ ભોગવ્યો. ફરી અભ્યાસ શરૂ કર્યો. દક્ષિણામૂર્તિની ‘વિનીત’ની પરીક્ષા પાસ કરી. પછી વધુ અભ્યાસ માટે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવ્યા. ત્યાંથી ૧૯૩૩માં શાંતિનિકેતન જઈ ચાર વર્ષ ભણ્યા. ત્યાં રવીન્દ્રનાથના સહવાસને કારણે કાવ્યસર્જનની પ્રેરણા મળી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યૂપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. બીજે વરસે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. ૧૯૪૫થી મુંબઈની મૉડર્ન હાઈસ્કૂલમાં જોડાયા અને છેક સુધી ત્યાં રહ્યા. રાષ્ટ્રીય ચેતનાવાળા ગાંધીયુગના માહોલમાં તેમણે સૌંદર્યાભિમુખ કાવ્યોનો સંગ્રહ ‘બારીબહાર’ (૧૯૪૦) આપ્યો. સૌંદર્યાભિમુખતા એ નવીન કવિતાનું એક લક્ષણ ગણાય છે. એ પછી તેમની પાસેથી ૧૯૪૮માં ‘સરવાણી’ નામે ગીતસંગ્રહ મળે છે. ગીતસ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ પ્રશંસનીય છે. ‘આજે’, ‘વિદાય’, ‘પરાજયની જીત’ વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે. ઉમાશંકર જોશીએ તેમની કવિતાને ‘નીતરા પાણી’ જેવી કહીને વખાણી છે. ‘ગુલાબ અને શીવલી’ એ ભાઈ-બહેનની કરુણમંગલ ગદ્યકથા છે. તેમણે કેટલીક નવલકથાઓના અનુવાદો પણ આપ્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) એમણે આપેલી પરિચયપુસ્તિકા છે. તેમણે લાંબી બાળવાર્તાઓ અને ‘તનમનિયાં’માં બાળકાવ્યો પણ આપ્યાં છે.
તેમનું અવસાન મુંબઈમાં થયું હતું.
શ્રદ્ધા ત્રિવેદી
