સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ


જ. ૧૪ ઑક્ટોબર, ૧૯૫૦ અ. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧

માત્ર છ માસની લશ્કરી કારકિર્દીમાં શહીદ થનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલનો જન્મ પુણેમાં થયો હતો. પિતા મદનલાલ ભારતીય સેનામાં એન્જિનિયર હતા. સનાવરની લૉરેન્સ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૭માં ખડકવાસલાની નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં જોડાયા. તાલીમ પૂર્ણ કરી ૧૩ જૂન, ૧૯૭૧ના રોજ ૧૭મી પૂના હોર્સ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ સ્ક્વૉડ્રનનું કમાન્ડિંગ કરી રહ્યા હતા. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ૧૭મી પૂના હોર્સની બ્રાવો ટૅન્ક સ્ક્વોડ્રન તેમજ ૩જી ગ્રેનેડિઅર્સ સૈનિક ટુકડી પર પાકિસ્તાની દળોએ જોરદાર આક્રમણ કરતાં ૧૭મી પૂના હોર્સની આલ્ફા ટૅન્ક સ્ક્વૉડ્રનના ખેતરપાલ જરપાલ તરફ જવા નીકળ્યા. રસ્તામાં તેમના પર પાકિસ્તાની દળોએ ફાયરિંગ કર્યું. ખેતરપાલ ટૅન્કમાંથી ગોળા ફેંકતા દુશ્મનો તરફ આગળ વધતા રહ્યા. દુશ્મન પાસે પહોંચી તેઓ ટૅન્કમાંથી બહાર નીકળ્યા અને પાકિસ્તાની સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડ્યા અને શસ્ત્રસરંજામ કબજે કર્યો. આગળ વધતાં પાકિસ્તાનની ૧૪ ટૅન્કો સાથે યુદ્ધ થયું. તેમણે ૧૦ ટૅન્કોનો નાશ કર્યો. દુશ્મનની ટૅન્કનો એક ગોળો ખેતરપાલની ટૅન્ક પર પડ્યો. ટૅન્કની સપાટી પરથી આગની જ્વાળા નીકળવા માંડી. ખેતરપાલને પાછા વળવાનો આદેશ આપવામાં આવ્યો, પરંતુ તેમણે બાકીની ચાર ટૅન્કો તરફ આગેકૂચ કરી. તેમણે બે ટૅન્કોનો નાશ કર્યો. પાકિસ્તાની સૈનિકો રણભૂમિ છોડી નાસી ગયા. એ દરમિયાન એક ગોળો ટૅન્ક પર પડ્યો. ટૅન્કમાંના ડ્રાઇવર, ઑપરેટર અને તોપચી જખમી થયા. ખેતરપાલ ગંભીર રીતે ઘવાયા હોવા છતાં ફાયરિંગ કરતા રહીને દુશ્મનની ટૅન્ક તરફ ધસી ગયા. ખેતરપાલની ટૅન્કમાંથી ગોળો છૂટે એ પહેલાં જ દુશ્મનની ટૅન્કનો ગોળો આવ્યો. અસંખ્ય કરચો તેમના પેટમાં ઘૂસી ગઈ. સાથળમાં ઘણા ઘા થયા. પગનું હાડકું ભાંગી ગયું અને તેઓ શહીદ થયા. ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અસાધારણ બહાદુરી માટે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલને પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો. પરમવીરચક્ર મેળવનાર તેઓ સૌથી નાની ઉંમરના સૈનિક છે.

અનિલ રાવલ