શેખ આદમ આબુવાલા


જ. ૧૫ ઑક્ટોબર, ૧૯૨૯ અ. ૨૦ મે, ૧૯૮૫

કવિ અને નવલકથાકાર તરીકે જાણીતા શેખ આદમ આબુવાલાનું પૂરું નામ આદમ મુલ્લાં શુજાઉદ્દીન શેખ હતું. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ગુજરાતી વિષય સાથે તેઓ એમ.એ. થયા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કરી હતી. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે તેઓ મૉસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને જર્મની ગયા. ૧૯૫૬થી ૧૯૭૪ સુધી તેઓ પશ્ચિમ જર્મનીમાં રહ્યા. ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિંદુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કરેલું. ભારત પરત આવ્યા પછી પત્રકાર તરીકે રહ્યા. ‘ચાંદની’ (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો સંગ્રહ છે. આ ઉપરાંત ‘અજંપો’, ‘હવાની હવેલી’, ‘સોનેરી લટ’, ‘ખુરશી’, ‘તાજમહાલ’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. રાજકીય અને સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો’ નોંધપાત્ર છે. ગઝલના સ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ પ્રશંસનીય છે. તેમણે પૃથ્વી છંદમાં પણ ગઝલ લખી હતી. તેઓ ભારતઝુરાપો એમની ગઝલોમાં વ્યક્ત કરતા રહ્યા હતા. તેમની પાસેથી ‘તમન્ના તમાશા’, ‘તું એક ગુલાબી સપનું છે’, ‘આયનામાં કોણ છે ?’ વગેરે મળી સાતેક નવલકથાઓ મળી છે. તેમણે ‘શ્રેષ્ઠ જર્મન વાતો’ નામે અનુવાદ આપ્યો છે. ‘હું ભટકતો શાયર છું’ એ તેમનું આત્મકથાત્મક પુસ્તક છે. વળી તેમણે ઉર્દૂમાં પણ ગઝલસંગ્રહો આપ્યા છે. ‘દીવાને આદમ’ (૧૯૯૨) એ તેમની સમગ્ર કવિતાનો સંચય છે. અમદાવાદમાં આંતરડાની બીમારીથી તેમનું અવસાન થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી