વ્યક્તિ પોતાનું એકલાપણું દૂર કરવા અને વીસરવા માટે જીવનભર અથાગ પ્રયત્ન કરે છે. એ કોઈને ચાહે છે, એ ઠેર ઠેર મિત્રો બનાવે છે, આસપાસના સમાજમાં ડૂબી જાય છે કે પછી પોતાની આગવી મંડળી જમાવે છે, કિંતુ એકલાપણું મિટાવવાના એના સઘળા પ્રયત્નો વ્યર્થ છે. આનું કારણ એ છે કે ‘એકલા હોવું’ એ જ માનવીની જન્મજાત વૃત્તિ છે. એકલા ન રહેવું તે એમાંથી ભાગવાનો માનવીનો મરણિયો પ્રયત્ન છે. આ એકલાપણું એ જ વ્યક્તિના હૃદયનું હાર્દ છે. એ જ એના આનંદનું પ્રબળસ્થાન છે. પોતાના આ એકલાપણાને દૂર કરવા માટે માણસ પોતાના ભીતરની દુનિયા ભૂલીને બહારની દુનિયામાં દોડધામ કરે છે. ઉધમાત કરે છે. એક પળની પણ નવરાશ રહેવા દેતો નથી. કારણ એટલું જ કે એને એનું એકલાપણું ડરામણું લાગે છે. એકલા હોવું એ માનવીનો સ્વભાવ છે અને સ્વભાવમાં રહેવું એ જ માણસનું નિજી વ્યક્તિત્વ છે. પોતાના એકલાપણાને ભૂલીને સંસારમાં ભમતો માણસ બાહ્ય ઘટનાઓથી પોતાને સફળ થયેલો માનશે ખરો, પરંતુ એ સફળતા વંચના કે છેતરપિંડી છે. પોતાના એકલાપણાનો સ્વીકાર એ જ જીવનના આનંદનો અનુભવ છે. જેઓ એકલા ચાલ્યા છે એમણે જ આ જગતને બદલ્યું છે. એકલો રહેનાર માનવી જ ક્રાંતિ લાવી શકે છે. એકલો વિચારનાર જ જગતને બદલી શકે છે અને એકલો ચાલનાર જ જગતને નવો રાહ ચીંધી શકે છે. હકીકત તો એ છે કે જે એકલો ચાલે છે, તે આખી દુનિયા પર રાજ કરે છે. જે ભીડમાં જીવે છે એને પોતાનું કોઈ જગત હોતું નથી. આથી વનમાં સિંહ, જ્ઞાનમાં વિદ્વાન કે યુદ્ધમાં વીર એકલો જ હોય છે.
કુમારપાળ દેસાઈ
