જ. ૧૬ ઑક્ટોબર, ૧૮૭૮ અ. ૧૩ માર્ચ, ૧૯૫૮

મલયાળમ ભાષાના ‘મહાકવિ’ વલ્લથોલ નારાયણ મેનનનો જન્મ કેરળના મલપ્પુરમ્ જિલ્લાના ચેન્નારા ગામમાં થયો હતો. પિતા કડુંગોટ્ટે મલ્લિસેરી દામોદરન ઈલાયથુ અને માતા કુટ્ટિપ્પારુ અમ્મા (પાર્વતી). તેમણે ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું. તેઓ આરંભમાં સંસ્કૃત વિદ્વાન પાસેથી અને પછી તેમના કાકા પાસેથી સંસ્કૃત શીખ્યા. તેમણે સંસ્કૃત પદ્યસાહિત્યનો પરિચય કરાવ્યો. તેઓ ફિલૉસૉફી અને તર્કશાસ્ત્ર પણ શીખ્યા. તેમણે ત્રિસ્સુરમાં ૧૯૦૫થી ૧૯૧૦ સુધી કલ્પદ્રુમ પ્રેસમાં મૅનેજર તરીકે કામ કર્યું. તેમની શ્રવણશક્તિ બગડતાં ૧૯૧૫થી ‘કેરાલોદયમ્’ છાપામાં કામ શરૂ કર્યું. એ પછી જર્નલ ‘અમૃત રિતેશ’માં કામ કર્યું. તેમણે બાર વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું. ‘કિરથ સતકમ્’ અને ‘વ્યાસાવતારમ્’ તેમની પહેલી પ્રકાશિત રચનાઓ હતી. તેમની કવિતાઓ ‘ભાષાપોષિણી’, ‘કેરળ સંચારી’ અને ‘વિજ્ઞાન ચિંતામણિ’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થઈ. ૧૮૯૪માં ‘ભાષાપોષિણી’ સામયિકનો કવિતા પુરસ્કાર મેળવ્યો. તેમણે વાલ્મીકિ રામાયણનો મલયાળમ ભાષામાં અનુવાદ કરવાનું મહત્ત્વનું કાર્ય કર્યું. ૧૯૧૩માં તેમનું મહાકાવ્ય ‘ચિત્રયોગમ્’ પ્રકાશિત થયું. એ પછી તેઓ ‘મહાકવિ’ કહેવાયા. તેમણે ‘કેરળ કલામંડલમ્’ની સ્થાપના કરી અને કથકલી નૃત્યને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ રાષ્ટ્રવાદી કવિ હતા. ભારતના સ્વતંત્રતાઆંદોલન પર તેમણે બે કવિતાઓની શ્રેણી રચી છે. તેમણે ‘ગંગાપતિ’, ‘બંધનસ્થાનય અનિરુદ્ધન’ તથા ‘સાહિત્યમંજરી’ના ૧૧ ગ્રંથો આપ્યા છે. તેમણે ઘણા કાવ્યગ્રંથો અને અનુવાદો આપી મલયાળમ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ૧૯૭૮માં ટપાલખાતાએ તેમની ૨૫ પૈસાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં વલ્લથોલ સાહિત્ય સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા મલયાળમ સાહિત્યમાં યોગદાન માટે ૧,૧૧,૧૧૧/-નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. કોચીનના મહારાજા દ્વારા તેમને ‘કવિસર્વભૌમન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે ૧૯૫૪માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.
અનિલ રાવલ
