જ. ૧૭ ઑક્ટોબર, ૧૯૦૭ અ. ૩૦ ઑગસ્ટ, ૧૯૮૯

દિનકર મહેતા એક ભારતીય રાજકારણી અને ટ્રેડ યુનિયનિસ્ટ હતા. યુવાનીમાં તેઓ મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમ સાથે જોડાયેલા હતા. તેમણે ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને ૧૯૩૦ના ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું હતું. સવિનય કાનૂનભંગ ચળવળ માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. દિનકર મહેતાએ ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સામાજિક વિજ્ઞાન સાથે સ્નાતક થયા બાદ ૧૯૩૩ સુધી ત્યાં શિક્ષણકાર્ય પણ કર્યું હતું. ૧૯૩૪માં તેમણે કૉંગ્રેસ સમાજવાદી પક્ષ(CSP)ના ગુજરાત એકમની સ્થાપનામાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ૧૯૩૫માં તેઓ ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા અને ૧૯૩૬માં પાર્ટીએ તેમને ગુજરાતનું નેતૃત્વ સોંપ્યું હતું. તેમણે ૧૯૩૬થી ૧૯૩૮ દરમિયાન સમાજવાદી પાર્ટીના સંયુક્ત સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેમણે ટ્રેડ યુનિયનો અને અન્ય જનસંગઠનોનું આયોજન કર્યું હતું. ૧૯૪૦થી ૧૯૪૨ અને ૧૯૪૮થી ૧૯૫૧ સુધી તેઓ થોડો સમય જેલમાં અને વધુ સમય ભૂગર્ભમાં રહ્યા હતા. ૧૯૫૩ના મદુરાઈ પાર્ટી કૉંગ્રેસમાં દિનકર મહેતા સીપીઆઈની સેન્ટ્રલ કમિટીમાં ચૂંટાયા હતા. ૧૯૫૭થી ૧૯૬૦ દરમિયાન તેઓ મહાગુજરાત જનતા પરિષદના ઉપપ્રમુખ હતા. તેઓ ૧૯૫૮થી ૧૯૬૦ દરમિયાન બૉમ્બે રાજ્યની વિધાન પરિષદના સભ્યપદે પણ હતા. ૧૯૬૪માં સીપીઆઈનું વિભાજન થવાથી તેઓ ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી)માં જોડાયા. ઑક્ટોબર-નવેમ્બર ૧૯૬૪માં કૉલકાતા ખાતે યોજાયેલી સાતમી પાર્ટી કૉંગ્રેસમાં તેઓ સીપીઆઈ(એમ)ની ગુજરાત રાજ્ય સમિતિના સચિવ બન્યા હતા અને એ પદ તેમણે આજીવન નિભાવ્યું હતું. તેઓ ૧૯૬૬માં અમદાવાદના મેયર તરીકે ચૂંટાયા હતા અને ૧૯૬૭ સુધી મેયરપદે રહ્યા હતા. ૧૯૬૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરિયાપુર કાઝીપુર બેઠક પરથી અપક્ષ તરીકે તેમણે ચૂંટણી પણ લડી હતી. ગુજરાતી ભાષામાં માર્કસવાદી વિચારધારા પર તેમણે માતબર લેખનકાર્ય કર્યું છે.
અશ્વિન આણદાણી
